આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વરાવ્યા છે ? પૈસા તો પગનો મેલ છે મેલ. આતો આવા પૈસાદારોને જ ગરજ કરતાં આવવું પડે છે. એ લોકોની જ દીકરીઓ રઝળી પડેલી હોય છે. મને મિત્રોએ બહુ ગળે ઝાલ્યો, એટલે વળી મેં હા પાડી. બાકી ભનાભાઇને તો દસ નાળિયેર આવતાં હતાં. પૈસાની શી પડી છે એને !"

આટલું બોલતાં બોલતાં મામાને પાંચ-છ વાર ખોંખારા ખાઇ ગળાની સોપારી સાફ કરવી પડી.

"જે જે ત્યારે. હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ(અંતઃકરણનાં અભિનંદન), ભનાભાઇ ! વિશ યુ ગુડ લક (સદભાગ્ય ઇચ્છું છું) !" કહીને દાક્તર સાહેબ ઊઠ્યા.

"સવારે તો ભનાભાઇનું મોં લાલઘૂમ થઇ ગયેલું અને આંખમાં ધુમાડા ઉઠ્યા હતા." મામીએ મામાની તથા ભાણેજની વચ્ચે નજરને નચાવતાં નચાવતાં કહ્યું: "નાકનું ટેરવું રાતુંચોળ -"

"હવે બેસો ને, મામી !" ભાણેજે રીસ કરી.

"શા માટે વળી ?" મામાએ ટટ્ટાર બનીને પૂછ્યું.

"એના ગોઠિયા બધા ભઠવતા હતા કે ભનાભાઇએ એક દિવસની મુલાકાતમાં કન્યાની કઇ એવી પરીક્ષા કરી નાખી તે વેવિશાળ કરી બેઠા ! એ તો સસરાની લક્ષ્મી પર મોહી પડ્યા - દીકરી પર નહિ ! ને એણે કૉલેજ માં 'ઇચ્છાવર' વિષે બહુ મોટાં ભાષણો કર્યાં'તાં એ ક્યાં ઊંઘી ગયાં ! ને એને તો વારસો જોવે છે વારસો ! એવું એવું કહીને બધા ખીજવતા હતા, એટલે ભાઇસાહેબના કપાળે ઢેલડીઓ ચડી ગઇ; ડળક ડળક પાણી પડ્યાં."

"હા-હા !" મામા મહેનત કરીને હસ્યા. 'ભનાભાઇની તો છાતી જ ક્યાં છે છાતી ! કાળજાં કૂતરાં ખાઇ ગયાં છે. નીકર માથું ભાંગી નાખે એવો જવાબ ન દઇએ ! કહેવું'તું ને કે 'ઇર્ષા શેના કરો છો ? તમને ન મળી એટલે ? નાળિયેર આવ્યું હોત અને પાછું વાળ્યું હોત તો તમને બધાને સાચા બહાદુર કહેત !' બાકી - ટેબલ ઉપર છટાથી મામાએ સૂડીનો ટકોરો દઇ તાલ મેળવતાં મેળવતાં શબ્દો ઉચ્ચાર્યાઃ "એ તો બધા ઘાએ ચડ્યા છે ઘાએ. સારી કન્યા જો મળે ને," સૂડીનો ટકોરો - "તો અત્યારે આ