આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહીને પણ આવી. ને, ભાઇ, મારી તો આંતરડી ઠરી, હો ! અહો ! શું જમાઇનો સ્વભાવ ! શું એની સબૂરી ! શી એની નજર પોગે ! કહે કે, ઘી-દૂધ ઓછાં ખાઇશ, પણ આ મચ્છરવાળા ગામમાં મકાન તો હવાઉજાસવાળું જ રાખીશઃ ને લલિતાને નળની સગવડ હોય ત્યાં જ રહીશ. મનેય કહે કે, બા, તમને અહીં મચ્છરદાની વગર નહિ સૂવા દઉં. લલિતાની આંખ્યો બહુ ઉઠણી ખરી ને, તો જમાઇ કહે કે, 'ના, ચૂલે નહિ, શગડી પર કોયલે રાધો !' એક વાર મેં જમાઇને પૂછ્યુ કે, 'બાપુ ! કાંઇ કહેવા જેવુ !' ત્યાંતો બાપડો દડ-દડ-દડ પાણીડાં પાડીને બોલ્યોઃ 'બા, મારા ઘરમાં તો દેવી આવી છે. મારા જેવા ઘાસલેટમાં આળોટનારને આવું ભાગ્ય ક્યાંથી ? ઇશ્વરને કહું છું કે, મારું સપનું ઉડાડીશ મા, હે નાથ !' આમ બોલીને જમાઇ કાંઇ રડ્યો છે, કાંઇ રડ્યો છે. ભનાભાઇ ! શું કહું ! મને રાંડીરાંડને - કરમફૂટી હતી એને - આવું સુખ જડ્યું એ તમ જેવા, બા જેવાં ને મામા જેવાને આશીર્વાદે, ભાઇ !"

ભનાભાઇ ઊભા હતા. એને તમ્મર આવી રહ્યાં હતાં. એના હૈયામાં ધખધખાટ હતો. હજુ એને થઇ રહ્યું હતું કે, 'હું જેને માટે થઇને પાછો આવ્યો, જેને ઝંખી રહ્યો છું, તેણે મને છેતર્યો શું !'

'બેન તમને બહુ યાદ કરતી'તી, હો, ભાઇ ! સાંભળ્યું છે કે - ખમ્મા, એને બે મૈના પણ ચડ્યા છે, તો તો હું તેને તેડી આવીશ. તમે હમણાં અહીં જ રે'શોને !"

"હા, માશી ! હું અહીં જ છું."

એમ કહી, 'બીજે ક્યાં - જહન્નમમાં જાઉં' એવું મનમાં બબડી ભનાભાઇ કોણ જાણે કોના પર ચિડાતા, રસ્તામાં કૂતરું સૂતેલું તેને ઠેબું લાગવાથી માંડમાંડ તેનાં બચકાંમાંથી બચી છૂટતા, અંધારું હોવાથી વિના શરમે પલાયન કરતા ઘેર પહોંચ્યા. તે વખતે રાતનું વાળુ કરીને મામા સારી દૂધલી સોપારી શોધતા ઓસરીમાં બેઠા હતા.

એ સૂડી-સોપારીના કકડાટથી અને મોંના બચબચાટથી કોઇ અકળ, અગમ ત્રાસ અનુભવતો આ તરુણ ઘરમાં પેસવાને બદલે સીધેસીધો ચાલતો