આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડવાઝૂડવા લાગ્યાં. એક બાજુ કેશુએ પુરુષોને માટે પાથરણું પાથર્યું, અને બીજી બાજુ બા તથા વહુ એક પછી એક આવતાં સ્ત્રીઓનાં ટોળાંની સાથે મોં વાળવા લાગ્યાં. પોતે આવેલ છે એ વાત અછતી ન રહી જાય તેટલા સારુ દરેક કુટુંબની બાઈઓ જુદાં જુદાં જૂથ બાંધીને આવતી હતી. દરેકની સામે બાને નવેસરથી રડવું પડતું. અને દરેકની ઉપર પોતાના અંતરના ઊભરાતા પતિ-પ્રેમની ઘાટામાં ઘાટી છાપ પાડવા સારુ વધુમાં વધુ ધડૂસકારા કરી કૂટવું પડતું, લાંબામાં લાંબું રુદન-સંગીત કરવું પડતું, અને માધાબાપા કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા એ આખીયે છયે મહિનાના મંદવાડની કરુણ કથા માંડીમાંડીને, જમાવટ કરીને, નિસાસા મૂકી મૂકીને, ’અરેરે !’ના ઉદ્‌ગારો ઉચિત સ્થાને કાઢીકાઢીને અવાજને ટાણાસર ગળગળો કરીને, કોઈ કાબેલ કળાકારની જુક્તિથી વર્ણવવી પડતી હતી. પડખામાં બેઠેલાં વહુ રીતરિવાજમાં આવાં અણઘડ કેમ રહી ગયાં છે તેનો, વહુને દુઃખ ન લાગી જાય તેવો, ખુલાસો પણ કેશુની બાને સહુ પાસે આપવો પડતો.

મોડી રાતે પહેલા દિવસનો મામલો પૂરો થયો ત્યારે બેસી ગયેલ સાદે અને લોથપોથ થાકી ગયેલ શરીરે બાએ કેશુની પાસે આવીને કહ્યું : "ભાઈ, જોજે હો: ઉતાવળો થઈ આપણો ભરમ ઉઘાડો પાડીશ મા ! જગતમાં બધું ભરમે-ભરમે જ ચાલે છે. સારા ઘરનું મરણું છે. એટલે ઘણાં કાણિયાં કારજે આવશે. એમાં ક્યાંક બેમાંથી એક બેનને ઠેકાણે પાડી દેવી છે. પણ તું ભરમ ખુલ્લો કરીશ મા !"

એ જ ટાણે ખડકીમાં લાકડીનો ઠબઠબાટ સંભળાયો. અને "કેશુ ઘરમાં છે કે ?"ની બૂમ પડી. માએ કહ્યું : "ગગા, જા જા. પીતાંબર ભાઈજી આવેલા છે. રાતના નહિ ભાળે. તું દોરી લાવ્ય." ફળિયામાં દીવો નહોતો, કેમકે ખડકી મજિયારી હતી.

પીતાંબર ભાઈજીની અવસ્થા 65 વર્ષની હતી. આવીને એણે કેશુનો હાથ ઝાલ્યો. "દિકરા ! અટાટની પડી, હો ! માધાભાઈની દેઈ પરદેશમાં પડી ! માંડ્યું હશે ના !" એવું કહી ભાઈજી રડી પડ્યાં. કેશુને ભાઈજીના