આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહસ્ય ઉચ્ચાર્યું કે, "વાત પેટમાં રાખજો. હું બધુંય સમજું છું. સહુની બાંધી મૂઠી જ સારી: ઉઘડાવવી એ ખાનદાનનું કામ નથી. મારે કે‘વાનું એ છે કે બર્માવાળા બબલો શેઠ આંહીં મધુસૂદન મા‘રાજના દર્શને આવેલ છે. હમણાં જ ઘરભંગ થયા છે. કરોડપતિ છે. અવસ્થા કાંઈ બહુ નથી. મારાથી પાંચ વરસ નાનેરા છે. તમારી વિમુડીનું ત્યાં કરીએ. નામ નથી પાડવું, પણ મોંમાગ્યા આપે એમ છે. શરીર કડેધડે છે. એક દાક્તર ને એક વૈદ તો હારે ફેરવે છે. કારજ બરાબર ઊજળું કરીએ. મધુસૂદન મા‘રાજની પધરામણી ઘેર કરાવીએ. વિમુને હાથે જ મા‘રાજને ચરણે રૂપિયા એકાવન મેલાવવા. બબલો શેઠ ભેળા આવે. કન્યાને જોઈ લ્યે. પછી તો હું છું જ ના ? ઘેર બેઠે ગંગા ! બોલો: છે ઊલટ ?"

ઘણી વારે એક ઊંડો નિઃશ્વાસ મૂકીને કંકુમાએ ડોકું ધુણાવ્યું.

પીતાંબર ભાઈજીએ ઘરનું થાલ-ખત કરાવી લઈને કારજમાં જો‘તા માલતાલની વેતરણ માંડી. કેશુ આ રહસ્ય-ગોષ્ટિ વખતે મેડા ઉપર હતો. એની વહુને તાવ ચડેલો, તેથી માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકતો હતો. એને લાગતું હતું કે જાણે આ ઘર નથી, પણ કોઈને ફાંસી દેવાનું ઠેકાણું છે.

આવા તકલાદી શરીરવાળી વહુ પોતાને તકદીરે ક્યાંથી આવી ! બાની સાથે એક વર્ષ ખૂણો પળાવવા એ આંહી શી રીતે રહી શકશે ! ઘરમાં તો આજથી રોજેરોજ ધડાપીટ અને મોં ઢાંકવાં શરૂ રહેશે. મામા-માશીઓ પણ આજુબાજુથી કાણ્યે આવશે. એ બધાંનાં રાંધણાંમાં આ રોગીલી સ્ત્રીની શી ગતિ થશે ! આ ભણેલી છે, એટલે જૂની રીતભાતો જોતી-જોતી સળગી જશે. એવા વિચાર કરતો કેશુ પોતાં મૂકતો હતો, ત્યાં બાનું કાળા સાળુમાં વીંટાયેલું ડોકું દાદર પર દેખાયું. પોતે કાંઈક ગુનો કરતો હોય તેમ કેશુ ચોંકીને ઊભો થઈ ગયો.

"અટાણથી મેડીએ ચડીય ગયાં, માડી ! એમાં શેનાં ઠરીએ !" એટલું કહીને એ ડોકું નીચે ઊતરી ગયું.

તે વખતે વહુ તાવમાં બેશુદ્ધ હતી. કેશુએ એને હડબડાવીને કહ્યું :