આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યાં છે, તેનાં ગાડાંના બળદ સારુ ને ઘોડા સારુ ખડ-ખાણ મારી ખરચીમાંથી જ લેવાણાં છે."

"ત્યારે શું કરશું ! પીતાંબર ભાઈજી પાસે જાઉં ?"

"બેટા, અટાણે ત્યાં કારજની જણશો લાવવાનો દેકારો બોલતો હશે, ને તું અટાણે ઘરણ ટાણે સાપ કાં કાઢી બેઠો ?"

"બા, વહુના નાકની ચૂંક છે. ક્યાંક મેલીને રૂપિયા લઈ આવું ?"

"ભાઈ, સૌભાગ્યની ચૂંક તે ક્યાંય વેચાતી હશે ? તું જરાક તો સમજ ! અને અટાણે ભરમ ફોડવા કાં ઊભો થયો ? બધુંય કર્યું કારવ્યું ધૂળ થઈ જાશે. આ છોકરીઓ રઝળી પડશે. એક દી ખમી ખા. ઈશ્વર સારાં વાનાં કરશે. વિમુડીનાં ભાગ્ય ઊજળાં હશે, તો તારે મોસંબી મોસંબી જ વરસી રે‘શે !"

"એવું તે શું છે, બા ? ફોડ તો પાડો !"

બાએ બબલા શેઠની વાત ઇશારે સમજાવી. કેશુનો શ્વાસ ઊંચે ચડી ગયો.

દરમિયાન ડેલે સહુના જીવ અધ્ધર થઈ ગયા છે. ન્યાતનાં હજાર માણસ થાળી ઉપર બેસી ગયાં છે. પીરસવાની તૈયારી છે. તે વખતે રંગમાં ભંગ પડી જાત. પણ ડાહ્યા આગેવાનોએ અણીને ટાણે ઉગાર કરી લીધો. વાત આમ હતી: ખબર આવ્યા કે કુટુંબમાં ધના ઓઘડનો જુવાન દીકરો ક્ષયની પથારીએ અંતકાળ છે. આગેવાનો એકબીજાની સામે ટગરટગર જુએ છે, ત્યાં તો એનું કાળું મોઢું લઈને બીજો એક જણ આવ્યો, ને કહ્યું કે "મામલો ખલાસ છે."

"ઠીક, હવે ચૂપ !" ભવાન અદાએ આંખનો મિચકારો કર્યો. "હવે ધનાને જઈને કહી આવો કે ભલો થઈને વાત દાબી રાખે. એની વહુ છે ડાયલી; માંડશે રાગડા તાણવા. માટે કે‘જો કે મૂંગી મરી રહે ને મડદું ઢાંકી રાખે. કે‘જો - ચૂંચાં ન કરે: નીકર નાત આખીના નિસાપા લાગશે. અને માંડો ઝટ પીરસવા. એલા મઘરા બાંઠિયા, ઝટઝટ કાકડી વઘારી નાખ.