આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને સગા દીકરાની વહુની સુવાવડ કરવાની બાધા."

"સુવાવડનું પાપ તો શ્રાવકના શાસ્તરમાં બહુ મોટું કહ્યું છે ને !"

"હા, અને આ ગુલાબડાની ફઈ એ બાબતમાં ભારે ટેકીલી છે. એક વાર એના ફળીમાં પાડોશીને ઘેર બાઈને પીડ ઊપડી. ઘરમાં કોઈ ન મળે. બાઈ ચીસોચીસ પાડે. પણ ગુલાબની ફઈ કોઈને ખબર આપવા જેટલા પાપમાંયે ન પડી. સમાયક કરીને બેસી ગઈ. પાડોશણ બાઈને એમ ને એમ બાળક અવતર્યું. નાળ પણ એણે હાથે વધેર્યું."

"પાળે એનો ધરમ છે, ભાઈ !"

"ઘોઘલે આવી અશરાફ, ધર્મિષ્ઠ ફઈના નિસાસા લીધા. બાઈ રાતે ધા નાખતી જતી‘તી."

ઝાડુ વાળવાનું કામ પૂરું થયું. વેપારીઓ થડા ઉપર બેસી ગયા. થડાને તેમ જ ત્રાજવાં-તોલાંને પગે લાગ્યા. સંસાર ચાલ્યો જાય છે તે જ ઢબે ચાલવા લાગ્યો. પોતપોતાના પરિવારનાં પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત સુધી બીજી ઉપાસના નહોતી. ઉત્તર ધ્રુવના બરફ ઢંકાયેલા પ્રદેશની માફક અહીં પણ વિચાર-સૃષ્ટિ થીજી ગયેલી હતી. જિંદગીની પળેપળ જાણે એક જ વાત બોલતી હતી કે, ’શી ઉતાવળ છે ! પડ્યા છીએ. પરિવર્તનની શી દોડાદોડી છે ! હાલવા દ્યો ને !’

’ઘોઘલો’ તો એની બાએ પાડેલું હુલામણું નામ હતું. ફઈએ ’ઓળી ઝોળી પીપળ પાન’ કરીને પાડેલું નામ તો હિંમતલાલ હતું. હિંમતલાલની ઉમ્મર વીસ વર્ષની હતી. હિંમતલાલ સાત અંગ્રેજી તો ભણ્યા હતા, પણ ગામ-લોકોએ તો ’ઘોઘલો’ ’ઘોઘલો’ જ કહ્યા કરી એની મરી ગયેલી માના હેત-હુલાવ સદા અણભૂલ્યા રખાવ્યા હતા. હિંમતલાલની છોકરવાદી પણ ચાલુ જ હતી, અને એ રીતે ’ઘોઘલો’ નામને સાર્થક કરતી. હિંમત જ્યારે ગઈ કાલે ગામડાના કિચડ ખૂંદતો આવી પહોંચ્યો, ત્યારે મોટાભાઈ ગુલાબને ગુજરી ગયાં ચાર દિવસ થઈ ગયા હતા. ભાલના ભૂખપરા ગામે પડેલા હિંમતને ડાંસ કરડવાથી તાવ ચડ્યો હતો. ગુલાબનું સર્પદંશથી મરણ થયું એ ખબર મળતાં જ ચડતે તાવે એ ઘેર ધસી આવ્યો હતો. આવ્યો કે