આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવી બપોર વેળાએ કાંડે સોનાનાં કડાં, ડોકમાં એક્કેક-બબે હેમના દાગીના, લાલ-લાલ અટલસનાં કાપડાં અને કાળા ઝીણા સાડલા પહેરીને દસ-બાર બાઈઓ નીકળે છે. હાથમાં એક્કેક-બબે ધર્મ-પોથીઓ હોય છે. જતીજતી એ બધી આ ખડકીમાં ડોકિયાં કરે છે. પરસ્પર હસતી હસતી વાતો કરે છે કે -

"માડી રે ! પાછાં પેઠાં આ તો ગામમાં."

"રંડાપામાં ધૂળ નાખી. ખૂણો પાળવાને સાટે તો ભઠિયારખાનું ખોલ્યું."

"નાની બાળ અલકમલકનાં માણસું સાટુ વીશી માંડીને બેઠી. અરે મૂઈ ! બાળવિધવાને દેવદેરાં ન સૂઝ્યાં, ધર્મધ્યાન ન ગોઠ્યાં, સાધુસાધ્વીની સેવાયું ન ગમી - ક્યાં જાતી ઝીંકાણી !"

"લ્યો હાલો હાલો, આપણે શાસ્તરનું ભણતર ખોટી થાય છે. આપણે શું કરીએ ? ભોગ એના !"

"કાલે આર્જાજી આંહીં વોરવા ચડતાં‘તાં. હું ભેગી હતી તે મેં ચેતાવી દીધાં"

રૂમઝૂમ રૂમઝૂમ જીભો ચલાવતી સુવર્ણે મઢેલી ધર્મપૂતળીઓ શાસ્ત્રો શીખવા માટે સાધુ-સ્થાનકે ચાલી ગઈ. કમોદ ઓઘાવતી ભાભીથી જગતના બોલ ઝિલાયા નહિ.

ઘોઘલાભાઈની વીશી તો પરગામના અનેક વિદ્યાર્થીઓની અને વછિયાતોની મા બની ગઈ.

કોઈકોઈ વાર કામ ઓછું હોય. ભાભીને એકલવાયું લાગતું હોય, ઘોઘાભાઈ નળાખ્યાન ગાતા હોય, હિસ્ટીરિયા નામનો અતિથિ અંગ ઉપર આવું આવું કરતો હોય - તે વખતે ઘોઘલાની પાસે એક રામબાણ ઔષધ હાજર હતું:

"ત્યારે હવે ફઈબાને તેડાવશું કે, ભાભી ! લાડકો ખૂણો અધૂરો છે તે પૂરો કરશું કે ?"

હસી પડીને ભાભી પાણીની હેલ્યો લાવવા મંડતા.