આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હ્રદયમાં હું મારા અનુભવો આંકીશ. અત્યારે જ મારી નજરમાં એક સાચું અનુભવેલું દૃશ્ય રમે છે. એને હું જીવતું કરીશ."

"એવું વળી શું છે?" જલદેવીએ મરક મરક થતા હોઠે, કલાકારને રીઝવતી પોતાની આંગળીઓની આસપાસ એક મોટી લટ વીંટાળી લટોમાં ગૂંચળાં પાડ્યાં.

"એ મારી ભવ્ય કૃતિ બનશે. એક દરિયાપરીને હું ખડક પાસે તરફડતી બતાવીશ; ઝૂરતી ને સ્વપ્ન જોતી બતાવીશ."

"દરિયાપરીને?" જલદેવી એના અર્ધઘેનમાંથી, સ્વપ્નાવસ્થામાંથી સફાળી જાગી ઊઠી. "શું દરિયાપરી? ઝૂરતી?"

"હા, કિનારે ધગધગતી રેતીમાં ઊભેલા એક કૂબામાં ઝૂરતી. જોજો, હું એને સ્વપ્નમાં હૂબહૂ ઝૂરતી બતાવીશ. દરિયાપરી એટલે એક ખલાસીની સ્ત્રી. ખલાસી દેશાવર ગયેલો; પાછળથી બાઈ એને બેવફા બની. બીજાને પ્યાર દીધો. ખલાસી દરિયામાં ડૂબી મૂઓ છે; પણ એ ઝૂરતી દરિયાપરીની પાસે, એની પથારી આગળ, એ ડૂબેલો ખલાસી અધરાતે આવીને ઊભો છે એવું હું ગોઠવવા માગું છું. દરિયામાંથી નીકળીને આવ્યો હોય એ રીતે એનાં કપડાં પણ ભીનાં, નીતરતાં બતાવીશ."

"ડૂબેલો ખલાસી? અધરાતે આવે છે?" જલદેવીની આંખોની કીકીઓ જાણે ઊલટી બનીને બહારને બદલે અંદર જોઈ રહી હતી.

"હા, વૈર લેવા સારુ ઘેર આવે છે. પણ એને હું સંપૂર્ણ સજીવન નહિ બતાવું. ફક્ત ઓળો બનાવીને ગોઠવીશ. તમને મારી આ કલ્પના પાયા વિનાની લાગે છે? નહિ, એ તો મારા અનુભવની વાત છે. હું મારી માટીમાં અસત્ય દોરવા નથી માગતો."

"મરેલો માણસ પાછો આવે એ તમારા અનુભવની વાત?" મહેમાને પૂછ્યું.

જલદેવીનું કૌતુક ભયાનક બનતું હતું. એ બોલી કે, "બરાબર. હું આખો બનાવ જીવતોજાગતો જોઈ શકું છું. મને એ આખી વાત કહો."

"હા, હું એક જહાજમાં જાપાન ગયેલો. જાવા ટાપુના એક બંદરે