આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


દિવાળીની બોણી


જેમ જેમ સાંજ પડતી જતી હતી, તેમતેમ બન્ને છોકરાંની અકળામણ વધતી જતી હતી. બપોરના બાર વાગ્યાથી બન્ને બચ્ચાંને નવરાવી, ધોવરાવી, આંખો આંજી, ચાંદલા કરી, ટાફેટાનાં નવાં ખમીસ પહેરાવી એની બાએ પન્નાલાલની સાથે પેઢી ઉપર મોકલ્યાં હતાં. મુંબઈમાં આ વર્ષે દિવાળીનું ચોપડા-પૂજન રાતના બાર વાગ્યે નક્કી થયું હતું; એટલે સાંજરે બન્ને છોકરાંને તથા છોકરાંની બાને પન્નાલાલે દીવાની રોશની જોવા માટે એક વિક્ટોરીઆમાં લઈ જવાં, અને વળતાં દિવસે બેસતા વર્ષનું બહુ વખણાયેલું 'છેલ-છેલૈયા'નું નાટક બતાવવું એવો ઠરાવ ઘરમાં થયા પછી જ છોકરાંની બાએ રડવું બંધ કરેલું.

પન્નાલાલ છોકરાંને પેઢી ઉપર લઈ આવ્યો તો ખરો, પણ એને આજે દોડાદોડ હતી. સહુ મહેતાજીઓમાં તે નાનો હતો. તરવરિયો ઘોડો હતો, હસમુખો હતો અને દાદર ઉપર એકસામટાં બબે પગથિયાં ઠેકીને ચડવાની ટેવવાળો હતો; એટલે બાકી રહેલી ઉઘરાણીઓ પતાવવા સહુ એને જ ધકેલતા. ચોપડા-પૂજન માટે ગોર, ગોળ-ધાણા, કેળા, નાગરવેલનાં પાન, અબીલ-ગુલાલ, ફૂલનો પડો ને ગુલાબદાનીમાં ભરવાનું સસ્તું ગુલાબ-જળ... વગેરે સામગ્રી પણ એણે જ આણવાની હતી. બાકી રહેલી ખાતાવહીને ખતવવાનું કામ પણ આજે ચોપડા-પૂજન પહેલાં તો તૈયાર થઈ જ જવું જોઈએ એવી શેઠની સૂચના હતી. તમામ મહેતા-મુનીમો અધૂરાં કામ પૂરાં કરવા માટે એકતાર થઈ ગયેલા. પંદરેક લેખણો, કોઈ મોટા ઢોરના મુર્દાને ઢોળતી સમળીઓ જેવી, ચોપડાઓ ઉપર ચીંકાર કરી રહેલી હતી.

"પન્નાલાલ !" ઉપલે જ દાદરે શેઠ રહેતા, ત્યાંથી વારંવાર સાદ