આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તો હવે શું કરશું?"

"પરસ્પર પૂર્ણ વિશ્વાસનું, ખુલ્લા દિલનું, અગાઉના જેવું સહજીવન."

"હા! હા!" જલદેવીએ નિઃશ્વાસ મૂક્યો: "ઘણુંયે ઇચ્છું છું કે એમ બને. પણ હવે તો એ અશક્ય જ બની ગયું."

"હું એ સમજું છું. તારા કેટલાક ઉદ્ગારો પરથી -"

"ના ના, તમે નથી સમજતા - કશું જ નહિ."

"જલદેવી! હું સમજું છું. તારા જેવી નિખાલસ દિલની જુવાન સ્ત્રીને માટે બીજવરની પત્ની બનવામાં હ્રદયનો મેળ ન જ મળી શકે."

"શાથી એમ માન્યું?"

"મને મનમાં એમ થયા જ કર્યું છે. આજે એ વધુ સ્પષ્ટ બન્યું. મરનાર સ્ત્રીના ઉત્સવમાં હું ભળ્યો તે તને ન ગમ્યું. પણ હું શું કરું? માણસ પોતાના ભૂતકાળને એમ સહેલાઈથી નથી ભૂંસી શકતો - હું તો નહિ જ ભૂંસી શકું."

"હું સમજું છું: ન જ ભૂંસી શકાય."

"તમને એમ લાગ્યા કરે છે, દેવી, કે મારું હ્રદય મરનારની ને તારી વચ્ચે વહેંચાયેલું છેઃ જાણે છોકરીઓની બા હજુય મારા જીવનમાં અંતરીક્ષે રહીને રસ લઈ રહી છે. એટલે તું મારી સાથે છેલ્લાં અઢી વર્ષથી દેહસંબંધ નથી રાખી શકતીઃ ખરું?"

શાંતિ સાચવીને જલદેવી પથ્થર પરથી ઊઠી બોલીઃ "ત્યારે શું તમે મારા અંતરમાંનું બધું જ આરપાર જોઈ લીધું છે એમ તમને લાગે છે?"

"આજે તો છેક તળિયા સુધી જોવાઈ ગયું."

"ના ના, દાક્તર! તમે બધું જ નથી જોઈ શક્યા."

"હું જાણું છું કે હજુ બાકી છે."

"બાકી છે એ જાણો છો?"

"હા. તને આ સ્થળ, આ વાતાવરણ, આ દુનિયા જ અસહ્ય થઈ પડ્યાં છે. આ ડુંગરા જાણે તારી છાતી પર ચડી તને છૂંદી રહ્યા છે. આ ખાડી, આ હવા - આ બધું તને સાંકડું દેખાય છે. ઊંચે આકાશ પણ