આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત તો વધુ સુખી થાત અને સારાં થાત. મને એમ થાય છે કે મનુષ્યો ધરતીને ટેવાઈ પડ્યાં છે, પરંતુ એનાં ઊંડાં અંતરમાં તો ઉદાસી અને છુટકારાની ઝંખના જ ભરી છે. જમીન સાથે જાણે સહુને જકડાઈ રહેવું પડે છે."

"એમ તો ન હોય. માણસો એવાં ઉદાસ ક્યાં દેખાય છે, જલદેવી? મોટે ભાગે તો, ઊલટાં, સહુ દુઃખને વીસરી જઈ લહેર ઉડાવે છે."

"એ લહેર મને તો આવતા દોહ્યલા દિવસોની એંધાણી જ લાગે છેઃ દૂર દૂર ચાલ્યાં આવતાં તોફાનનાં વાદળાં જેમ આ ચળકતી પડેલી ખાડી ઉપર થોડી વાર મધુરો વાદળી રંગ છવરાવે છે, ને થોડી વાર પછી એકાએક બધું કેવું કાળુંઘોર!"

"જલદેવી, તમે કેમ ગમગીન બની ગયાં! હજુ હમણાં તો તમે હસતાં રમતાં હતાં."

"કંઈ નહિ, કંઈ નહિ. એ તો જરા મારું ગાંડપણ છે." એમ કહીને જલદેવી ચારેય બાજુ ચકળવકળ જુએ છે: "દાક્તર ક્યાં ગયા? મને કહ્યું હતું છતાં હજુ કેમ ન આવ્યા? તમે ઝટ જશો? એને કહેજો કે ઝટ આવે; કેમકે હું હવે એને કલ્પનામાં જોઈ શકતી નથી."

"જોઈ શકતાં નથી?" માસ્તર તાજ્જુબ થયા.

"તમે સમજ્યા નહિ. ઘણી વાર એ જ્યારે મારી પાસે નથી હોતા ત્યારે હું યાદ કરી કરીને મથું છતાં એની મુખમુદ્રા મને યાદ જ ન આવે: જાણે એવું થાય છે કે હું એને ખોઈ બેઠી. એ દશા મને અસહ્ય થઈ પડે છે. ભલા થઈને ઝટ જાઓ ને!"

જલદેવી ઝાડની ડાળી ઝાલીને વ્યાકુળ ચિત્તે ઊભી રહી. માસ્તર ગયા તેની પાછળ "માસ્તર સાહેબ, હું તમને રસ્તો બતાવું..." એમ કહેતી, નવી બાથી ફાળ ખાતી મોટી બહેન પણ ચાલી ગઈ. નવી બાની સાથે એ ઝાંખરાં નીચે એકલાં ઊભાં રહેવામાં એને ભય હતો.

એકલી ઊભી ઊભી જલદેવી જાણે પોતે પોતાની સાથે ગુપ્ત વાતો કરતી હોય તેમ ગણગણતી હતી. એ સમયે ચોગાનની જાળીની બહાર