આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે તો મુક્ત બનીને, મારી જવાબદારી સમજીને આવી છું."

"જલદેવી! મારી દેવી!" પત્નીના મુખની સુધાને તૃષાતુરની પેઠે પી રહેલી એની દૃષ્ટિ કોઈ જલચરની લાંબી ડોકની માફક લંબાઈ ગઈ હતી: "સાચે જ શું હવે આપણે પરિપૂર્ણપણે એકબીજાંને સારુ જીવી શકશું? પરસ્પર, એક અણુયે જગ્યા અન્ય કોઈને માટે ન રહે એવી રીતે જીવનને ભરચક કરી લેશું?"

"ચોક્કસ, ભૂતકાળનાં સંભારણાં પણ આપણાં બન્નેનાં સજીવન રહેશે. તે આપણાં સંતાનોને -"

"આપણાં! ખરેખર શું તું એને આપણાં કહી શકે છે?"

"હું એને મારાં કરી લઈશ, એનાં દિલ જીતી લઈશ."

"હવે શું બોલી શકાય!" એટલું કહીને દાક્તરે સ્ત્રીના હાથ પોતાની આંખે અડકાયા. ત્યાં તો ફરતી ફરતી દીકરીઓ માસ્તર સાહેબની સાથે આવી પહોંચી. તેઓના વાર્તાલાપમાંથી ગળાઈને તૂટક શબ્દો આવતા હતા કે, "બસ, આ વર્ષે તો આ વિદેશી જહાજની છેલ્લી સફર છે. ઉનાળાનો આપણો આનંદ ઊડી જશે. બા પણ પિયર ચાલ્યાં જશે."

"ના ના, બચ્ચાંઓ!" દાક્તરે હર્ષ-ગદ્ગદિત બની સંભળાવ્યું: "હવે અમે વિચાર બદલ્યો છે. બા હવે નથી જવાની; અહીં જ રહેશે."

"સાચેસાચ શું, બા!" કહેતી નાની પુત્રી, વાત્સલ્ય-ઝૂરતા હરણ-બાળ જેવી, નવી બાના મોં સામે તાકી રહી. "તમે અહીં અમારી સાથે જ રહેશો, બા?"

"હા, બેટા, તમે મને રાખશો તો હું રહીશ."

"જો તો! કેવું પૂછે છે બા! તમે રાખશો તો!" નાની પુત્રી હસતા હોઠ ઉપરથી આંસુની ધારા વહી જતી હતી.

"આ તો આશ્ચર્યની વાત!" માસ્તર સાહેબ જોઈ રહ્યા.

જલદેવીએ હસીને કહ્યું: "માસ્તર સાહેબ! એ તો એવું છે કે એક વાર પૃથ્વીને તીરે ફેંકાઈ ગયા પછી જળનો જીવ જળમાં પાછો પહોંચી