આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ફક્કડવાર્તા

સોમવારનાં તમામ છાપાંઓમાં પહેલે જ પાને સળંગ મોટાં મથાળાં વંચાઈ રહ્યાં હતાં કે -

પકડાયો, પકડાયો: બેકાર બુઢ્‌ઢો: પાંચ ભૂખ્યાં છોકરાંનો પિતા: ઘેર બૈરી: મંદિરમાંથી રૂપિયાની કોથળી ચોરતાં પકડાયો.

વિગતવાર હકીકત એમ હતી કે, ઇસારીઆ નામના એક રખડુ આદમીએ રવિવારના રોજ સાંજરે મહાલક્ષ્મીના હિંદુ મંદિરમાં પેસી જઈ દર્શન કરીને લોકો બહાર નીકળતાં હતાં ત્યારે ભીડાભીડમાં એક ગૃહસ્થનાં પત્નીને કેડે ભરાવેલી પૈસાની ચીંથરી ખેંચી લીધી. પણ, સદ્‌ભાગ્યે, ત્યાં છૂપી પોલીસનો એક માણસ ઊભેલો, તેણે એ દીઠું; ચપળતાથી ઇસારીઆને પકડ્યો. તરત પૈસાની ચીંથરી ’બાઈ મજકૂર’ને પાછી સુપરદ કરવામાં આવી; અને ચીંથરીમાં ટ્રામ-ભાડા પૂરતો એક આનો પણ હતો કે નહિ તેટલુંયે જાણવાનો સંતોષ મળ્યા પહેલાં તો ઈસારીઓ પોલીસથાણે પુરાયો.

આ બનાવ બીજાં છાપાઓને તો માત્ર કૌતુક અને સનસનાટી પૂરતો જ રસભર્યો હતો, ત્યારે અમારી ’દીનબંધુ’ છાપાની ઑફિસમાં તો એ કાળા કકળાટ તથા ઊંડા નિઃશ્વાસનો વિષય થઈ પડ્યો. અમારા અઠવાડિક વિભાગના તંત્રીને તત્કાળ સૂઝ્યું કે, આવતા અંકને સારુ આ ઘટનાની સરસ આખી કથા ગૂંથી શકાશે. એનું લોહી તપી આવ્યું. એણે ઉદ્‌ગારો ઠાલવ્યા કે "આ બાપડા ઇસારીઆની કથામાં જ અત્યારની સમાજ-રચનાનો સરવાળો આવી જાય છે. બસ, એ જ ભીતરનું ખરું દર્શન છે. જુઓ તો ! ધંધામાંથી બાતલ કરેલો બિચારો: ભૂખે મરતાં બાળબચ્ચાં: ઘર માલિક