આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડિરેક્ટરે ’બૉર્ડ’ પાસે રજૂ કર્યું. વકીલને ટેલિફોન કરીને બૉર્ડે સલાહ લીધી. વકીલોએ બચવાનો મુદ્દો કાઢી આપ્યો કે ખટારાનો તો વીમો ઉતરાવેલ હોવાથી આવા કિસ્સામાં નુકસાની આપવાની હોય જ નહિ.

’દીનબંધુ’ના મેનેજિંગ ડિરેક્ટરે અફસોસ સાથે ઇસારીઆને કશી રકમ આપવાની અશક્યતા જણાવી; કારણ એ જણાવ્યું કે, બીજું તો કાંઈ નહિ... રકમની વિસાત નથી - પણ દાખલો ખોટો બેસે.

આખી વાતમાંથી હું એટલું તો ચોક્કસ સમજી શક્યો કે, ઇસારીઆને આ નિમિત્તે એક પૈસો પણ ચૂકવવો એ વ્યવહારે નીતિ વિરુદ્ધ થાય અને કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાય. બાકી, સહુનો મત એવો પડ્યો કે, પેલા 50 ટકા માગનાર વકીલનું આચરણ તો ઘણું જ હીન કહેવાય... પરંતુ... ખાસ કિસ્સાઓમાં આવી આકરી ફી લેવાનું ધોરણ પ્રચલિત છેયે ખરું.

વારુ. વળતે રવિવારે અમારા સાતવારિયાના નવા અંકમાં ઈસારીઆ બેકારની ફક્કડ વાર્તા પ્રગટ થઈ. તેની અંદર પેલો ખટારાનો અકસ્માત અને તે પછીનાં તમામ પરિણામો ટાંકવામાં આવ્યાં. ફક્ત ખટારાના માલિકોનું નામ નહોતું અપાયું.