આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડોશીએ જરક ડોસાના કાનની નજીક મોઢું કરીને ઉમેર્યું: "બચાડીને કેવા વખા હતા ને, તે..."

બગીને રૂપનગર તરફની સડકે ચક્કર ખવરાવી પ્રવીણ રાતના અંધારામાં રસ્તો ધમધમાવતો પાછો ફરતો હતો. વાંક વાળવા માટે ગાડી ધીરી પડી, તે વખતે એક રબારીએ પાસે જઈ કહ્યું: "ભાઈ, બાપા, જરીક થોભાવશો ? એક વાત કહેવી છે."

પ્રવીણે ઘોડાને રોક્યો. ગોવાળે પડખે ચઢીને કાનમાં કહ્યું: "ત્યાં ઝાંપે ઓલ્યા ભાભાને તમારીએ ગાડીનો ટોચો થયો, ભાળ્યું ?"

"હા."

"એ જ ભાભાને ઘેર છપનિયા મોર્ય ત્રણ ભેંસ્યું મળતી; ચોખામી છાશ ફરતી. વાણિયા-બામણ પણ લેવા જાતાં. તમારી માની એ બહુ કઠણાઈ વેળા, ભાઈ ! તમે તો તે દિ' ઘોડિયે. બા જાતાંને, એટલે આ જ ડોસાની ડોશી બાની દોણીને ઘરમાં લઈ જઈ, ઘાટી છાશ ભરી, માલીકોર અક્કેક દડબું માખણનું રોજ છાનુંમનું મેલતી, ભાઈ !"

"છાનુંમાનું ?"

"હા, છાનુંમાનું. છતરાયું દીધ્યે તમારી મા લ્યે એમ નો'તાં. કુળવાન ઘરની રંડવાળ્ય હતાં, ભાઈ ! લાખેણું માણસ ! આ ઈ છાશે ને ઈ માખણે તમારી આંખ્યું આજ રતન જેવી ઝગે છે, પરવીણભાઈ ! તમારી વેળા વળી છે, પણ એ ભાભાની ખેડ ભાંગી ગઈ. રતાંધળો ન થાય ? ઉઘાડે માથે ને અડવાણે પગે ખેતરમાં લા બળતી હોય ત્યારે મજૂરી કરે; ને ખાવામાં રોટલા ભેળી ઘૂંટડોય છાશ ન મળે. આંધળા ન થાય ? બાપા, બગી હળવા હાંકીએ. ધોખો કરશો મા: લે'રાબાઈના દીકરાને કે'વાનો હકદાર છું."

"પણ મને સમજાવો તો ખરા: રતાંધળા થવાનાં શું કારણો છે ? કોણ રતાંધળા છે આ ગામમાં ?"

"કાલ્ય સાંજે સીમાડે આવજો; વાત કરશું. ભૂગળી પીશું, બે ઘડી હૈયાં ખોલશું. છાતીમાં ઘણું ભરાણું છે, ભાઈ !"