આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મસ્ત પાડો હતો; અને કલ્યાણને બે તૂટી પડતા, કટકા થઈ જવા ચાહતા, લથડતા પગ હતા. પચીસ કોસનું અંતર એને અંધારી, ડુંગરિયાળ ભોમ વચ્ચેથી કાપવાનું હતું. રસ્તે આવતાં ગામડાંની ખળાવાડો પાસે એને ફરજિયાત ધીમા પગ ભરવા પડતા; નહિ તો ચોર ગણાઈને ગોળી ખાવાની દહેશત હતી.

સવારે પહેલા પહોરનો તડકો ચડ્યે કલ્યાણસંગ જ્યારે બાપુની ડેલીએ પહોંચ્યો, ત્યારે ઘણા મહેમાનોની ઠઠ જામી હતી. કલ્યાનસંગને ઓચિંતાનો આભમાંથી પડે તેમ આવ્યો દેખી કોઈના મોં પર ઠેકડી તો કોઈના ચહેરામાં તિરસ્કારની રેખાઓ તરવરી ઊઠી. વધારે ઘૃણા અને અચંબો તો સહુને ત્યારે ઊપજ્યાં જ્યારે કલ્યાણસંગે ભોળે ભાવે કહી નાખ્યું કે, "હું તો ત્રણ જ દિવસની રજા લઈ પગપાળો રાતોરાત આવી પહોંચ્યો છું."

"હોય, ભાઈ; અરસપરસના નેહ-સનેહ એવા છે."

"જાણે પ્રવીણ-સાગરનો અવતાર !"

"રાજપૂત-બચ્ચાની આ રીત છે ?"

"કલ્યાણભા ! ભારી વસમો પંથ ખેંચ્યો તમે તો !"

કલ્યાણ એક ખૂણામાં ચોર જેવો બનીને બેસી ગયો. એણે જોયું કે કસુંબા તો ઘૂંટાતા જ જાય છે, ગરણીમાંથી કસુંબલ ગાળમો ટપકી રહેલ છે, કટોરીઓ ભરાઈભરાઈને દાયરામાં ફરે છે, અને થોડાથોડા સમયને અંતરે અંદરને ઓરડેથી વડારણ આવીને ઊભી રહે છે; સમાચાર આપે છે કે "જીજી ! સુજાનબાને તો પાછો તાવ ચડ્યો છે."

થોડી વાર પછી : "જીજી ! ડિલ ટાઢું પડે છે."

વળી થોડી વારે : "ઊંઘે છે પણ ઊંઘમાં લવે છે."

આમ ગોલીની જીભના ખબર પરથી અનુમાન દોરીને એક ઘોડેસ્વાર ઊપડે છે, અને ચાર ગાઉ ઉપર આવેલા ટપ્પાના ગામે રહેતા દાક્તર કનેથી દવાઓ લાવવામાં આવે છે. કલ્યાણસંગ જેને માટે આમ ઝૂરતો-તલસતો દોડ્યો આવ્યો છે, તેનું કલેવર ત્યાં પડ્યું છે ઓરડે. ઓરડાની અને ડેલીની