આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


બૂરાઇના દ્વાર પરથી


કોળી અને કોળણ ચીભડાં વેંચવા બેઠાં હતાં. શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની બે દા'ડા સારુ શું જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડાં મૂક્યાં હતાં. પણ બે ના ચાર દિવસ થઇ ગયા હતા. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના 'બાથરૂમ'માં જઇને એક વાર જો તેલનું મર્દન લઇને માયસોરી સુખડના સાબુથી અંઘોળ કરે,અને ટુવાલે શરીર લૂછે, તો કોળી અને વાણિયા, વચ્ચેનો રૂપ-ભેદ કોણ પારખી શકે ? એવાં એ કોળી અને કોળણનાં લાવણ્યવંતાં; ઘાટીલાં અને લાલ ચટકી ઉપડતાં શરીરો હતાં. સંસાર જો તપોવન હોય, અને પરસેવો ટપકાવીને પેટ-ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો આ બેઉ જણાં સાચો યજ્ઞ જ કરી રહ્યાં હતાં. બેઉ ઉપવાસી હતાં. ધૂપમાં બેઠાં હતાં. એક આસને બેઠાં હતાં; ધુળના વંટોળા ગરીબના હવનના ધુમાડા-શા ઊડતા હતા, અને બેઉનાં મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો.

"હવે બે ફાંટ મતીરાં રિયાં છે. ઝટ નીકળી જાય તો ભાગીએ."

"હા, હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે. બે દિ'ના ઘડી લાવી'તી; તેને સાટે ચાર દિ' ગદરી ગયા. માતાજીએ સે' પૂરી,ખરું ?"

"પણ હવે રોટલા કાંક સુકાણા, હો ! ભેળું કાંઇ શાક આથણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે.."

"અરે, તમે જુઓ તો ખરા ! હોંશિયાર થઇને આટલાં ચીભડાં કાઢી નાખો ને, એટલે સાંજે ને સાંજે અમરાપર ભેળાં થઇ જઇએ, અધરાત થઇ ગઇ હશે ને, તોય મારી મા ઊનાઊના રોટલા ઘડી દેશે, ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હેમત રાખીને આટલા વેચી કાઢો - મારો