આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


કાનજી શેઠનું કાંધું


"ભાઈ પબા !"

"કાં મા ?" પરબત પટેલ ગાડું જોડતો હતો.

"મને તો ઝાંખુઝાંખુ એવું ઓસાણ છે, કે આપNeણે કાનજી શેઠનાં તમામ કાંધાં ભરી દીધાં છે: એકેય બાકી નથી."

"હે...હે...હે ખૂંટિયો !" પરબત એના બે બળડ માંહેલા ખૂંટિયાને ફોસલાવતો હતો. ખૂંટિયો ધોંસરું લેતો નથી. એનું કાંધ પાકીને ઘારું પડ્યું છે. ખૂંટિયો ખસીને દૂર ઊભો રહે છે. પરબત એક હાથે ધોંસરેથી ગાડું ઊંચું રાખીને બીજે હાથે ખૂંટિયા તરફની રાશ ખેંચે છે. ગોધલો તો બાપડો શાંત ઊભો છે.

"જો માડી !' ડોશી નજીક આવ્યાં. એની આંખે મોતિયો આવેલ છે, એટલે પરબતની ઉપાધિ એ દેખતાં નથી. એણે તો પોતાનું જ પ્રકરણ ચલાવ્યું: "જાણે...જો: પે'લું કાંધું આપણે કઈ સાલમાં ભર્યું ? પરારની સાલમાં. શીતલાના વામાં, જો ને, આપણો ગોધલ્યો મરી ગયો, એટલે વહુની હીરાકંઠી વેચીને રૂ. ૧૮૦નો આ ખૂંટિયો લીધો, ને રૂ. ૧૦૦ ભર્યા કાંધાના. બીજું -"

"ઓય... કમજાત ! અરરર !" એવો અવાજ કાઢતો પરબત બેવડ વળી ગયો. ખૂટિયે એના પેડુમાં પાટુ મારી હતી.

"રાંડ વાંઝણીના !" પેડુ દબાવીને પરબત ઊભો થયો. "એમ તને પંપાળ્યો પાલવશે ? એમ પાણી પાયા વિનાનો રઝકો બળી જાવા દેશે ! ઊભો રે', તારા લાડ ઉતારું." એમ કહી પરબતે દાઝમાં ને દાઝમાં ખૂંટિયાના દેહ ઉપર પાંચ પરોણા ખેંચી કાઢ્યા. પશુની આંખોમાંથી આંસુની ધાર