આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના બાપ આવીને ઊભા હતા.

"અંધારું કેમ છે, કિશોર ?" કહી મોતીશાએ નોકરને બોલાવી દીવો પ્રગટાવ્યો. પછી વાત છેડીઃ "હવે આપણે જલદી નક્કી કરવું પડશે."

"શાનું ?" એટલું પૂછવાની પણ કિશોરમાં શક્તિ નહોતી. મોતીશાને પણ પ્રશ્નો સાંભળવાની ટેવ નહોતી. એમણે સ્પષ્ટ કર્યું: "આપણા ઘરના મોભા મુજબ વહુના બારમા પહેલાં જ બોલ બોલાઇ જવા જોઇએ. એક દિવસ પણ મોડું થશે તો લોકોને વહેમ પડશે કે તારામાં કંઇ કહેવાપણું હશે; ને પછી સહુનાં મન સંકડાશે. મોડુંમોડું પણ આપણે કરશું તો ખરાં જઃ આભ ધરતીનાં કડાં એક કરીને પણ કરશું. પણ અત્યારે થાય તે સવા લાખનું લેખાય."

કિશોર નિરુત્તર રહ્યો. બાપે ચલાવ્યું:

"ચાર દિવસમાં પચીસ ઠેકાણાંના તાર-ટપાલ છે. એમાં આટકોટવાળા ફૂલા શેઠ તો વહુને ક્ષય છે એવું સાંભળ્યું ત્યારથી આપણી વાટ જોઇને બેઠા છે. પણ મને સામો પૈસાદાર સગો પોસાય નહિ.. મોરારજી માસ્તરની દીકરી સહેજ ભીને વાને છે એટલે એ તો હીરના ચીરમાં પાણકોરાના થીગડાં જેવું થશે.. સુધાકર બારિસ્ટરે આપણા રાજના દીવાન સાહેબ મારફત મારું ગળું ઝાલ્યું છે. પણ અએણે કન્યાને વધુ પડતી કેળવણી આપી છેઃ આપણને પોસાયું - ન પોસાયું.. તો પછી સામો બારિસ્ટર ઠીક નહિ. વળી કન્યા વીસ વરસની થઇ છે. એ કંઇક કહેવાપણું હોયા વિના તો ન જ બને ના ! બધી દ્રષ્ટિએ ખમીસણાવાળો પ્રેઅમજી શેઠ કંઇક ઠીક લાગે છે. એ આપણી શેહમાં દબાતો રહેશે. ને આપણે ઘેર કન્યા આવ્યા પછી સંગીત,અંગ્રેજી વગેરે તારે જે શીખવવું હોય તે શીખવી શકાશે. બે માસ્તરો રાખશું."

"બાપુ !" કિશોરના હોઠના ટેભા તૂટતા હોય એવો અવાજ થયોઃ "મારે જૂદા થવું છેઃ જલદી મજિયારો વહેંચી આપો."

"શું.. ?! માંકડને મોઢું આવ્યું કે ?" મોતીશા શેઠે આજ જીવનભરમાં પહેલી જ વાર દીકરાની જીભ ઊપડતી દીઠી."માથું ભમી ગયું છે કે ?