આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારાં બોંતેર કુળ બોળવા બેઠો કે શું ?"

"એક અઠવાડિયામાં મજિયારો વહેંચી આપો - નહિ તો હું કોર્ટે ચડીશ." એટલું કહીને કિશોર ત્વરાથી નીચે ઊતરી ગામ બહાર ચાલ્યો. નદીની ભેખડ પર બેસીને, ત્યાં એટલો બધો પવન ફૂંકાતો હતો છતાં કિશોરને એટલો ઓછો પડ્યો હોય તેમ, એ પોતાના પહેરણની ચાળ વડે છાતી પર પવન ખાવા લાગ્યો.

જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને બા-બાપા સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી, તેને આજ કાળ-સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તીણી ચીસ પાડીને કિશોર પુકારી ઊઠ્યો કે "ચંદન ! ઓ ચંદન ! મેં તારું ખૂન કર્યું છે."