આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાર્તાકાર એટલે વકીલ નહીં, પક્ષકાર નહીં, ટીકાકાર નહીં, સારા અને નરસા બે વિભાગમાં જગતને વહેંચી નાખવાનું કામ વાર્તાકારનું નથી. એક માણસ નિર્દોષ અને તેની સામેનું પાત્ર ખલ અથવા દુષ્ટ, એવી સહેલી માન્યતાના પાયા પર થતું વાર્તાનું ચણતર ખોટીલું હોય છે. અને અને ત્રીજી વાત, વાર્તાકાર જે જગત સરજાવે છે તેમાં પાત્રોનો હ્રદય-પલટો કાં તો ક્રમે-ક્રમે કુદરતના નિયમાનુસાર આવવો જોઈએ, અથવા તો સંક્ષોભની એવી અસાધારણ ઘટના ઊભી થવી જોઈએ કે જે ઓચિંતા પરિવર્તનને પણ સહજ બનાવી શકે.

આવી તાકાત નથી હોતી ત્યાં અણીશુદ્ધ નવલિકા નથી નીપજતી. છો ન નીપજે. વાર્તા તો જે સંસાર જોઈએ તેના શુદ્ધ સંવેદનમય વાસ્તવ-નિરૂપણ વડે પણ સરજાય છે.

[૧૯૩૭]


ગ્રીક નાટ્યકારોના કાળથી નિયમ એવો ચાલ્યો આવે છે કે તમારાં પાત્રોને સતત ક્રિયાશીલ રાખો તેમજ એકબીજાથી સંકલિત રાખતા રહો, ને પરાકાષ્ટા આવે ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ક્રિયાને વધુ વધુ પ્રકાશિત કરતા રહો. પરાકાષ્ટા આવે, પાત્રો પૂરેપૂરા રજૂ થઈ જાય, એટલે પછી તો વાર્તાકારે વાર્તાને સમેટી લઈ, પાત્રોને એવા કોઈ ચલણી વાતાવરણમાં મૂકી દેવાં કે જેમાં તેઓ વાર્તાની સમાપ્તિ પછી પોતાનું જીવન ચાલુ રાખે એવી આશા બાંધી શકાય.

આ નિયમને તો આજે દરરોજ અને દરેક પ્રકારે વાર્તાકારો ઉથપી રહેલ છે. ઉથાપ્યા છતાંય તેઓ ઉગરી જાય છે, કારણકે કલામાં તો એક જ નિયમ સાચો છે: બરાબર વહે છે પ્રવાહ ? ચોટ પકડે છે?

અનેક નામાંકિત વાર્તાકારોએ નિયમોનાં જડ બંધનો ફગાવી દેવાની ધૃષ્ટતા કરી છે. પણ એ ધૃષ્ટતાને તેમણે પાછી શોભાવી છે. નિયમની દુનિયા બહાર નીકળીને સૌંદર્ય તેમજ નવીનતા પકડી લાવવાની તેમની શક્તિ હતી.

ટૂંકી વાર્તાનું સ્વરૂપ ક્યું? સમર્થ લેખિની જે ઘડે તે સ્વરૂપ એનો વળી નિયમ કેવો? મારા તાકાત હોય તો હું એક હજાર ને એક સ્વરૂપોમાં નવલિકાને રમાડું.

[૧૯૩૭]

ઝવેરચંદ મેઘાણી