પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવનનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામનાં માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઊઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેણે ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોં ખોં કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત આકરો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોય ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાતૂટ્યાં ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલાંગો મારતાં વનનાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંમણાં ઉઠાવ્યા હતાં. સ્ત્રીના વાળનાં લટિયાં દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતં. ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંની જોડે ગેલ કરતી હતી.

આ ઘર, આ માથા પરનો વર્ષોજૂનો મેડો. આ ભાંગલાંતૂટલાં પેટીપટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માનવ-પ્રકૃતિઓ મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ; ને પેલા દૂરના લત્તામાં 'રામ’, ‘મહાવીર' જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંડાણોમાં શાતાને સાટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી-પુરુષો: એ-ની એ જ દુનિયા, કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડીઘણી પોષાયેલી, તે આજે મને નકહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડીવર એમ થયું કે આ ચોકિયાતોના બુમારણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું. આ ઉકરડા, ગધેડાં, કૂતરાં તેમ જ બળતાં કરતાં સો ગણા પ્રજાના હૈયાંને બાળતા ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું.