પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા રડતા છોકરાને છાનો રાકહ્વાના મારા પ્રયત્નો એળે ગયા. "ભાઈ હાલે જાવું થે! જાવું થે!"... "આંઈ બાઉ કરડે થે! કરડે થે!" :આંઈ ઠાઠડિયું બઉ નીકલે થે!" "આંઈ નથી લેવું" એ બધી મારા બાળકની ધા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે "ભાઈ, તું તારે જા, માડી: ઈ તો હમણાં છાનો નહિ જ રહે. તું તારે જા. સવારે તને નહિ દેખે એટલે આફૂડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું."

સૂનમૂન હ્રદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું - કેમકે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી.

"તમે ભાઈ, બહુ ખોટીપો કર્યો. એક છોકરાના કજિયા જેવી વાતમાં..." દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને ભળાવ્યું:" આપણે ટેશનનઓ આઠ ગાઉનો પંથ કાપવો છે; ને મુંબઈવાળી ગાડી તો સાત બજ્યે આવી જાય છે. બીજી તમામ પલાગાડીઉં જાતી રહી હશે."

અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલા ગાડી ઊભી હતી, ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધરામાં પાંચ-સાત ઘોઘરા અવાજ અફળાતા હતા:

"તમે મારું છડિયું નહીં બેસાડવા દ્યો - એમ?" એ અવાજ આમદ પાલાવાળાનો હતો.

"ના ના;" એની ગાડીની અંદરથી અવાજ આવ્યો: "ચારની બોલી કરી'તી ને સાત ખડકી દીધા - ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છો? શરમાતો નથી?"

"તો ઊતરો હેઠા."

"ઊતરે શેનાં? છ-છ ફદિયાં મફત આવે છે? અમે ઉજાગરે મૂઆં એ શું જખ મારવા?"