પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહો છો - હેં શેઠ?"

"કોઈક ગાડીની ઠાઠે વળગ્યું આવે છે, દાઉદ..." મારો સ્વર માંડ માંડ નીકળ્યો.

કૂદકો મારીને દાઉદ નીચે ઊતર્યો; ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. "એલી કોણ છે તું?" કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝાપટો આવ્યો: દીવો ઠરી ગયો.

"અરે ભાઈ હું પાનકોર છું" અંધારામાંથે પેલો અવાજ નીકળ્યો - જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હૂ-હૂ કરે છે.

"ડોશલી!" દાઉદ બહાદૂર બન્યો: "શા સાટુ મારી ગાડીને ઠાઠે વળગી આવછ? મારા ઢાંઢાં ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરખતી નહિ માવડી! આઘી હટ."

"અરે, ભા! ઠાઠું ઝાલીને પાંચગાઉ તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને દીકરા!" ડોશી કરગરી.

"મેલી દે મેલી હવે; નીકર હવે એક અડબોત ભેળા બત્રીસ દાંત ખેરી નાખીશ;" કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો.

ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ.

દાઉદે ફરીથી ગાડીની ઊંધ પર છલાંગ મારીને બળદને દોડાવી મૂક્યા.

હું હેતબાઈને અંદર પડ્યો હતો. દાઉદ કોઈ પીરપીરાણાંનાં નામ જપતો હય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું એ મેં ચાંદારડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિમ્મતમાં આવી ગયો. મને પોતાનેજ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો!

"હું ય મોતો બેફકૂફ જ ને, હેં શેઠ?" દાઉદ હસ્યો.

મેં પૂછ્યું: " કેમ?"

"ડોશીના બત્રીશ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને! પણ એને તો