પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભીંતો નજરમાં લીધી; બનેવીને પણ ટીકી ટીકીને નીરખ્યા કર્યું. ઝૂંઝા કારભારીની ઉંમર તે વખતે સાઠ વર્ષની હતી. એની આંખોમાં ખીલનો રોગ ખૂબ જોર કરતો હતો, ને બહેનના શરીરે સોજા ઊતરતા જ નહોતા.

બહેનનાં છ-સાત છોકરાં રમીને ઘરમાં આવ્યાં ત્યારે પણ મામાએ બધાંને ધારી ધારી નિહાળ્યાં: તે તમામના મોં ઉપર, શરીર ઉપર, કપડાંમાં ને શણગારમાં ગરીબી બોલતી હતી.

વાળુ કરીને કારભારી આવતીકાલના લિલામની તૈયારીને માટે બહાર ગયા. સામી પરસાળે મહેમાનોને માટે રાખેલા ઓરડાની હિંડોળા ખાટે ઝવેરી લાંબું અંગ કરીને સૂતા હતા, ને સામે એક ચાકળો નાખીને પચાસ વર્ષની વયનાં જશોદાબહેન ભાઈ સારુ પાન ચોપડતાં બેઠાં.

"જશોદા !" ભાઈએ હોકો પીતે પીતે વાત કાઢી: "તારું તો ઘર જોઈ જોઈને આજે હું સળગી ગયો છું."

"હોય, ભાઈ !" જશોદા સમજી ગઈ.

"શું 'હોય, ભાઈ' ! કામદારની આંખો જવા બેઠી.... તારું શરીર અટકી પડશે.... છોકરાં હજી નાનાં છે - પણ કામદારને કશો વિચાર જ ન આવે ? કઈ જાતના માણસ !"

"હશે, ભાઈ; જેવા છે તે મારે તો ગિરધર ગોપાળ સમાન જ છે." જૂના યુગની ભદ્રિક બહેને જવાબ દીધો.

"મને બીજું કાંઈ નથી લાગતું, જશોદા ! પણ આવતી કાલે પહેલી ને છેલ્લી તક જેવું છે. હું ક્યાં કહું છું કે કામદાર હરામી કરે કે લબાડીકરે ? હું કશા છળપ્રપંચનીય વાત કરતો નથી. રાજને એણે દેવામાં કશું બાકી નથી રાખ્યું. રાઓલજીને ગાદી અપાવવામાં એણે ગાંઠનાં ગોપીચંદન ખરચ્યાં છે. ને હવે શું રાઓલજીની પાસેથી થોડીક કદર પણ ન કરાવી શકાય ?"

બહેને જવાબમાં ફક્ત નિ:શ્વાસ નાખ્યો. એને ઝાઝું બોલતાં આવડતું નહોતું.

"એમ ઊંડા નિસાસા નાખ્યે તારાં પાંચ છોકરાં નહિ ઊછરે, બાઈ !