પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"લે...!" એમ કહેતી શારદાએ અંગૂઠો દેખાડ્યો.

"બાપુ છો ને! ભાઈશા'બ છો ને!"

"હં...! મને તું ટગવતી હતી આટલાં વર્ષો સુધી! બબ્બે આનાનાં ખોટાં એરિંગ પણ તારે માટે મામી લાવતાં; ને મને?... ભૂલી ગઈ? ભૂલી ગઈ એ બધું?"

"હવે એમ શું કરો છો, શારદાબેન! તમારે શી ખામી આવી જવાની છે!"

"આ લે! તારા જેવું કોણ થાય!" કહીને શારદાએ હીરા તરફ એક સાચા નંગનું એરિંગ ફેંક્યું.

એક ભિખારીના કંગાલ ભાવથી હીરાએ એરિંગ ઉપાડી લીધું, ને એ શારદાને પગે બાઝી પડી.

"લે, હવે છોડ, હીરા!" શારદાએ પગ સંકોરતાં સંકોરતાં રુવાબ છાંટ્યો: "મારે પાછાં એમની જોડે મોટરમાં જવું છે છબી પડાવવા."

"મને નહિ લઈ જાઓ, હેં શારદાબેન!"

"ક્યાં? છબી પડાવવા? અમારી જોડે! તેં ને વિભૂતિભાઈએ ને મામીએ તે વર્ષે જોડે બેસીને છબી પડાવી ત્યારે મને અંદર બેસવા દીધી હતી? મને જોડે લઈ જઈને પછી બહાર રડતી ઊભી રાખી હતી - યાદ છે? ને પછી હું બહુ રડી, એટલે ટીકુને તેડીને મને એક ચાકરડી પેઠે ફોટામાં તમારી સહુની પછવાડે ઊભી રાખેલી - યાદ છે?"

હીરા નીચે જોઈ ગઈ. શારદાએ કહ્યું: "તારે મોટરમાં આવવું હોય તો, ચાલ, ઝટ તૈયાર થા. પણ, ગાંડી, ફોટામાં તે વર વહુની જોડે તારાથી બેસાય! તું ઊભી ઊભી જોજે: અમે ફોટો પડાવશું."

પેલા ખંડમાંથી આ અંદરનો તમાશો જોતી વિદ્યાલયની કન્યાઓ સ્તબ્ધ બની હતી. શારદાને ચોધાર આંસુડે રુદન કરતી નિહાળવાનું સ્વપ્ન ભાંગી ગયું. અહીં તો શારદાના જોબનનું સરોવર છોળો દેતું હતું.

ટ્રંકેટ્રંકને જતનથી તાળાં વાસીને અંગના અનેક મરોડો કરતી શારદાને સોનાની ચેઈનમાં પરોવેલી ચાવીઓના ઝૂડાને સોનાના આંકડિયા