પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવબહાદુરને બિલકુલ નહોતી. એમણે એક ગલીમાં ગાડી વાળી, પણ ત્યાં નવું પાટિયું લાગેલું હતું કે 'રસ્તો બંધ: એક બાજુની ગલી'.

લાઇલાજ રાવબહાદુર ટાવર ચોક તરફ વળ્યા. લાલજી ઊભો હતો: એની આંખોમાં સુરમાની દોરીઓ ખેંચાઈ ગઈ હતી: એણે ઝીણી મૂછોને વળ દઈ અણીઓ વીંછીના આંકડાની માફક ઊંચે ચડાવી હતી: એણે માથા પર પાઘડી જરા ટેડી મૂકેલી હતી.

મોટરને એની નજીકમાં લગભગ ઘસાતી થંભાવી રાવબહાદુરે સંભળાવ્યું: "મૂછોના વળ ખેંચાઈ જશે. માણસને ઓળખ્યાપાળખ્યા વિના જ હાથના ડાંડા ઊંચાનીચા કરો છો કે ?"

"મહેરબાની કરકે ટ્રાફિક કો મત ઠહરાઓજી..." કહીને લાલજીએ રાવબહાદુરને વિદાય દીધી.

ચાલી જતી મોટરમાંથી ડોકું કાઢીને રમાએ લાલજી સિપાહીને જ્યાં સુધી જોઈ શકાયું ત્યાં સુધી જોયા કર્યું...

પોલીસ અધિકારીન બંગલા ઉપર સાંજના સમયે જ્યારે લાલજીને ખડો કરવામાં આવ્યો ત્યારે પિતા-પુત્રી બેઉ ત્યાં બેઠાં હતાં.

રાવબહાદુરે અંગ્રેજીમાં પોલીસ અમલદારને એવું કહ્યું સહેજ મલકાતે મોંએ કે 'બીજું તો કંઈ નહિ, રમાને એક ખાસ પિછાન કરાવવા સારુ જ આ ટ્રેનમાં ટ્રિપ પર મોકલવાની હતી..."

રમાનું મોં, જળાશયને બંકી ગરદને ચૂમી રહેલા ગલફૂલની પેઠે, નીચું ઢળ્યું.

"ધૅટ મેઇક્સ ધ થિંગ મચ મોર રિગ્રેટેબલ [એ તો વળી વધુ ખેદજનક]," કહીને પોલીસ-ઉપરીએ સિગારેટની રાખ રકાબીમાં ખંખેરી.

લાલજી જ્યારે સલામ ભરીને રુવાબભરી અદબથી ઊભો રહ્યો, ત્યારેય એની મૂછોના આંકડા કૈસરશાહી છટાથી ઊંચા ખેંચાયા હતા: આંખોમાં સુરમાની શ્યામ વાદળીઓ હતી, એના પઠાણશાહી પાયજામાના સળ, લાંબા ખમીસનો ઝોળ અને ટોપી ફરતો મુગલાઈ બાંધણીનો નાનો આસમાની ફટકો - તમામની અંદર એક જાતનો જંગલી મરોડ હતો.