પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રીજી વાર તો પિતાને અટકવું જ પડે એવી ઇચ્છા જન્મે છે. અને એ જ કારણે રમા ગાડીને ધીરી પાડે છે: લાલજીનો હાથ આ તરફ ઊંચો થવાનો મોકો જોયા પછી જ મોટરને ત્યાં લઈ જઈ ખડી કરે છે.

બેઠીબેઠી એ આ સિપાહીને, એની ચેષ્ટાને, એના સીનાને બારીકીથી અવલોકતી હતી...

રમા જેવી કુળવાન, ખાનદાન કુમારિકાન મનોવ્યાપાર તે વેળા કઈ ખાઈમાં ગબડતા હતા ?

[૩]

થોડા દિવસ પછીની એક રાત્રિએ પાછલા પહોરનો ચંદ્રમા ઝળાંઝળાં થયો હતો, ત્યારે રાવબહાદુરના બંગલામાં સૂનકાર પથરાઈ ગયો....

રમા એની પથારીમાં નહોતી.

રમાની બાએ હાંફળાંફાંફળાં બની આંગણું ને અગાસી તપાસ્યાં. રાવબહાદુરને જગાડ્યા ને એણે ધ્રુસકેધ્રુસકે રોવું આરંભ્યું કે "મારી રમા કયાં ? રમા નથી. ઝટ શોધ કરો. મારી રમુ, મારી રમુડી...."

રાવબહાદુરે પત્નીને ચેતાવી કે "છાની રહે, છાની રહે - નહિ તો હમણાં જ શહેરમાં બધામાં ધજાગરો બંધાશે; મારી સાત પેઢીની આબરૂ પર પાણી ફરી જશે."

"તમારી આબરૂમાં પાણી ફરો કે આગ લાગો પણ મને મારી રમુનો દેહ જેવો હોય તેવો જીવતોજાગતો લાવી આપો. દીકરી મારી ક્યાં ગઈ ? ક્યાં હશે ? કૂવામાં મીંદડીઓ નખાવો, ખેતરો-કોતરો જોવરાવો...."

જેમ ફાવે તેમ રડારોળ કરતાં જૂના જમાનાનાં પત્નીને ચૂપ રાખવાનું કામ સહેલું નહોતું. માતાના હ્રદયનો ધોધ વિવેકની પાળો તોડીને વછૂટ્યો ત્યારે એ આબરૂ અને દુનિયાઈ ડહાપણના તમામ મિનારા જળબંબોળ થવા માંડ્યા.

રાવબહાદુર ચૂપચાપ પોલીસ અધિકારીને મુકામે ચાલ્યા ગયા. પછવાડેથી પત્નીને દમની હાંફણ ચઢી ગઈ; શ્વાસ પણ નહોતા લેવાતા એવી હાલતમાં એમણે લમણે હાથ મૂકીને રમાના જન્મથી માંડીને વીસેવીસ