પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે એની મીમાંસા કરી બતાવું. પહેલું તો એ કે પેલો લાલખાં હવે એક જ મનસૂબો ઘડે છે."

"શાનો ?"

"રમાનું કાંડું ઝાલનારને જમૈયો હુલાવવાનો. કહો: તમારા દેશભક્ત પંતુજી રમાના કાંડાની કિંમત ચૂકવવા તૈયાર છે ? હોય તો પૂછજો. બીજું એ કે રમાના લગ્નનો સવાલ તે હવે કોઈ દેશ ભક્તોનો, સુધારકોનો કે માનસશાસ્ત્રીનો સવાલ નથી રહ્યો."

"હો-હો ! ત્યારે ?" રાવબહાદુર આ માણસની ભાષા-સમૃદ્ધિ પર મલકી ઊઠ્યા.

"એ છે અમારો પોલીસનો કેસ."

"કારણ....""

"- કારણ કે રમા સુધરેલા સમાજનું નહિ પણ એક ગુનાહિત શકદાર ટોળીનું ફરજંદ છે...."

ફરીથી રાવબહાદુરનો ચહેરો કાનનાં મૂળિયાં સુધી રાતોચોળ બન્યો. એણે ફક્ત એટલું જ કહ્યું: "તમે મારી અત્યારની મૂંઝવણોની મજાક કરો ત્યાં સુધી તો ઠીક, પણ રમાની બાનુંય નામ તમારી પોલીસની જીભ ઉપર ચડી ગંદું બને છે..."

"જી નહિ, રાવબહાદુર !" પોલીસ અમલદારે સિગારેટ સાથે બે હાથ જોડ્યા, ને દાઝતે દાઝતે કહ્યું: "રમાનાં બાને પેટે તો હું દસ અવતાર લેવા તૈયાર છું: પણ મારી ગંદી જીભ ઉપર તો આપનું જ સુગંધી નામ રમતું હતું."

આ માણસની વાચાળતા હવે ક્યાં જઈ કિનારો કરશે તેની રાવબહાદુરને કલ્પના જ નહોતી આવતી. પોલીસ ઉપરીએ આગળ ચલાવ્યું: "સાંભળો, સાહેબ ! રમાબેનની ઉંમર કેટલાં વર્ષની થઈ ? વીસની ને ? વીસ વર્ષ ઉપર આપ હતા જ્યુડિશ્યલ ઑફિસર -મહીકાંઠાના મુલકમાં - ને હું હતો પ્રોસિક્યુટિંગ ઑફિસર. તે વખતે લાગટ છ મહિના લગી આપણી સમક્ષ ઇરાનીઓની રખડતી ટોળીનો મુકદમો ચાલેલો; ને મારી