પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડાયરી બોલે છે કે આપ, પાંત્રીસ વર્ષના જ્યુડિશ્યલ ઑફિસર, એ કેસ માંહેલી એક જુવાન ઓરતની જુબાની વખતે કોઈ અગમ કલ્પનામાં ગુમ થઈ જતા અને ટીકીટીકીને એને નિહાળતા હતા. એના લબાચા જોવાની જિજ્ઞાસાથી આપે મને જોડે લઈ એના પડાવમાં ઘૂમાઘૂમ કરેલી ને પછી એ ઓરતની તસ્વીરો સહિત 'ટાઇમ્સ'માં ત્રણ લેખો પણ લખેલા... લોકવાયકા એવી હતી કે એ ઓરતે પાગલપુર ગામના ખેડૂતનું ખૂન કર્યું હતું તે છતાંય આપે એને જતી કરેલી; એના કામરુ નાચ જોવા આપ ગયેલા... વગેરે વગેરે મારી ડાયરીમાંથી ઘણુંઘણું નીકળે છે. સાહેબ ! પણ મારે ટૂંકામાં આટલો જ સાર કાઢવાનો છે કે એ લોકોનાં નાચગાન અને રૂપગુણની ભરપૂર ખુમારીમાં આપ મસ્ત હતા, તે દિવસોમાં જ મારાં માતૃશ્રી તુલ્ય મિસિસ રાવબહાદુરને મહિના રહેલા એ આપને યાદ છે ?" રાવબહાદુરને આ પોલીસ ઑફિસર ભયંકર લાગ્યો. વાઇસરૉયની કારોબારી સભાના એકીક સભ્યથી માંડી પ્રત્યેક સિવિલિયનની પછવાડે સરકારે છૂપી રોજનીશીનો ને પોલીસની ત્રાંસી આંખનો બંદોબસ્ત કર્યાની વાત આજે એને પહેલી જ વાર સાચી લાગી. અને આ ભયાનક માનવીનાં સ્મરણોની કાળી, કારમી ખીણો વચ્ચે રાવબહાદુર સુમંતે એક રમ્ય, રૂપેરી ઝરણું જોયું: લાંબા રેશમી કૂડતાવાળી, માથાનાં સુનેરી જુલ્ફાંને લાલ અટલસના રૂમાલિયામાં બાંધનારી, કાજળઘેરી, મદીલી ને નાનાં પોપચાં અરધાંપરધાં બીડનારી એ ઇરાની તોહમતદારણ રોશન જેના ખભા પરથી ઢળકતી બે ચોસર-ગૂંથી ચોટલા-દાંડીઓ રાવબહાદુરના હૈયાનાં મૃદંગો ઉપર જાણે થાપીઓ મારતી હતી. એને યાદ આવી પોતાની માગણી: "રોશન, બીજું કંઈ નહિ તો તારા લેબાસનું એક સંભારણું આપતી જા !"

ને રોશને લેબાસ આપેલો તે રાવબહાદુરે સાચવી રાખેલ હતો. બીજી બધી જ પુત્રીઓ એ લેબાસની ઘૃણા કરતી, ત્યારે એક રમા જ એનાં પરિધાન સજી કોઈ કોઈ ચંદ્રરાત્રિએ બારીમાં ઊભી રહેતી.

"આપ જો યાદ કરી રહ્યા હો..." પોલીસ અધિકારીએ ચલાવ્યું: "તો હું જરા સમાપ્તિ કરી લઉં, સાહેબ !"