આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે નથી આવવું તમારે, હું બાપ-દીકરાને આઠ જ દા'ડામાં આવી સમજો ને! આ એમ કઈને નીકળી પડી. મરતીમરતી પોગી, હો ભાઈ!" એમ કહીને મે'માન સ્ત્રી પોતાને બેસી ગયેલા ઘાંટામાંથી ખડખડાટ હાસ્ય ખેંચવા લાગી.

"કેમ?"

"રસ્તામાં સૂરતથી મને ઝાડો ને ઊલટી! ઝાડો ને ઊલટી! તમારા પુણ્યે જ પોગી છું."

*

ચારેક દિવસ ગયા છે. ચંદ્રભાલને ઘરની કોઈ જંજાળ રહી નથી. છોકરો તો પોતાની ભાભીનો જ થઈ ગયો છે. ચંદ્રભાલનાં અધૂરાં લખાણો ચાલુ થઈ ગયાં છે. આંસુડે છાંટ્યા કાગળો પણ પોતાના સાહિત્યપ્રેમી મિત્રોને લખવાનો એને સમય મળે છે. ભાભીની જોડે બહુ બોલવું એને ગમતું નથી; કેમ કે ઘરમાં જતાં જ એને ભાભીનાં ગંદાં વસ્ત્રોની કશીક ઘ્રાણ આવે છે. પોતે જોયું છે કે મુસાફરી કરીને આવ્યા પછી પણ ભાભી હજુ નાહ્યાં નથી.

આઠમા દિવસે એણે પોતાનું બાળક ભાભીની જોડે વળાવ્યું. ખોબો ભરાય તેટલાં આંસુ પાડીને ભાભીએ દિયરને જોડે આવવા વીનવ્યો. "તમને આંઈ એકલા વિચારવાયુ થઈ જશે. ચાલો, ખાડામાં પડે તમારી ચોપડીઉં! તમારા ભાઈને શું તમે ભારે પડશો? હાલો ને હાલો!"

ચંદ્રભાલને આ નોતરામાં સ્વાદ નહોતો. એકલા બાળકને જ એણે મોકલ્યું. સ્ટેશન પર એ ખૂંધાળા બાળકનું દયામણું મોં ન સહાતાં ચંદ્રભાલ બીજી બાજુ મોં રાખી ખૂબ રડ્યો. સ્ટેશનની પગથાર ઉપર પોતાના સુકાએલા પગને ડગુમગુ માંડતાં એ બાળકે ચંદ્રભાલનો પીછો જ ન છોડ્યો. આખરે બાળકને છેતરીને જ ડબામાં લઈ જવો પડ્યો. ગાડી ઊપડી ત્યારે ચંદ્રભાલ ત્યાંથી સરકી ગયો હતો.

ભાભીના ચાલ્યા ગયા પછી ચંદ્રભાલનું અંતર ઊંડી લાગણી અનુભવતું હતું. સ્નેહીજનો અને પાડોશીઓ પણ ચકિત થયાં ને પૂછવા