પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ફફડાટ મારો કબજો લઈ બેઠો. એનું મોં દારૂની કશીય દુર્ગંધ વગર પણ મને માતેલું દેખાયું. એની આંખોમાં રુવાબનો તાપ બળતો હતો. કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની રીતે એણે એની બેહોશ ઈચ્છાને મારા ઉપર ભીંસી દીધી... કપૂરની ગાંગડીને જાણે કોઈએ છૂંદેછૂંદા કરીને મોટી ભઠ્ઠીમાં ભભરાવી દીધી. જરીકે સુગંધ આપ્યા વગર જાણે કે મારું યૌવન ભસ્મ બની ગયું. હું કશુંય ન બોલી શકી: એને કશું સાંભળવા કહેવાનું ન રહ્યું.

સવારે હું નીચે ચાલી ત્યારે એણે કહ્યું: "મોટાભાઈ તારાં માવતર ઉપર ખૂબ ગુસ્સે બળી રહ્યા છે. સંભાળીને રહેજે, લાયકી મેળવજે. નીકર પત્તો નહિ લાગે. તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે - ખબર છે?"

નિહાળી નિહાળીને તો ત્રણેય દેરાણી-જેઠાણીનાં મોં આજ મેં પહેલી વાર જોયાં. જોયાં જ કર્યાં: અહોહો! કેટલાં બધાં શ્વેત! પણ લાલ રંગની એક આછી ઝાંય સુધ્ધાં ન મળે: સોનાની બંગડીઓ કાંડા ઉપર દોડાદોડ કરતી ઊંચે ને નીચે સરકે: પગના છડા - છેલ્લામાં છેલ્લા મુંબઈ ઘાટના - હમણાં જ જાણે પગની પાની પર થઈને નીકળી પડશે: બાવડા પરની સાંકળીઓ આવડી મોટી શા સારુ, તે દોરો બાંધીને દબાવી લેવી પડી હશે! લમણાં ઉપર વાળની ઘાટપ કાં નહિ?

આવાં રૂપાળાં મોં ઉપર તો મલકાટ જ હોય; છતાં ત્રીજા જ દિવસથી મારા તરફ કાં એમનાં મોઢાં ચડેલાં રહેવા લાગ્યાં? હું મેડી ઉપરથી જરી મોડી ઊતરી તો મારું શરીર કળતું હતું, ને માથું ચક્કર ફરતું હતું, એ કારણે. મને કેમ કોઈ પૂછતાં પણ નથી કે, તને શું થાય છે, તારા? હું કાંઈ કામકાજની આળસુ થોડી હતી? પણ મારા આ શરીરના સાંધા, કોણ જાણે શાથી, ટુકડેટુકડા થઈ જાય છે. રાતના એમના પણ શરીરના સાંધા ટૂટી પડતા હતા. એમણે મારી પાસે ચંપી કરાવી. એ બધા ઉજાગરાને લીધે પણ મારાથી મોડું ઉઠાયું. મારી દેરાણી-જેઠાણીઓને હું આ કેમ કરી સમજાવું?