પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેઠાણીએ કહ્યું: "અપશુકનિયાળ હતો મૂવો: છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદા મટે નહિ - આ ઘોડાનાં પગલાં થયાં ત્યારથી જ ઘરમાં જંપ નથી."

હું મેડી ઉપર ચાલી ગઈ: આંધળી સૂરજને કેડ્યે લઈને બારીમાં ઊભી રહી: ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખળખળી પડી; વિચાર આવ્યો: 'ઘોડાની માફક માણસને શા સારુ નહિ કાઢી નાખતાં હોય? ઘોડો તો નસીબદાર થઈ ગયો; પણ આવું નસીબ માનવીને કાં નહિ?'

તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે.

હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ!