આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊઠતા.

ને હું એના ખોળામાં માથું ઢાળીને કહેતોઃ "મને ક્ષમા કર. મારી એ શંકા તો મારાં જીવનનું મોટામાં મોટું પાપ છે."

એ જ હેમુ આ કાગળ સંઘરનારી કે? ભર્તૃહરિનો યુગ શું એક અને અનંત છે કે? સાહિત્યની વાતો જૂઠી નથી કે? ઓહ દુનિયા! એણે જૂઠું બોલીને ઝેર પીધું. એણે મારી સગી આંખે જોયેલું પાપ-દ્રશ્ય મજાકમાં ઉડાવી દીધું. એણે મને એટલે સુધી ટોણો મારી લીધો કે "તમે પોતે જ શું મને આમાં નહોતા ધકેલી રહ્યા? તમારે જ દૈવતવિહોણા છતાં ઊંચે ચઢવું હતું. હું તમારે ચઢવાનું પગથિયું બની."

આ સાચું હશે? મારું દિલ શું અરધી હા નથી પાડતું?

પાછલી રાતનો એ કાળામાં કાળો પહોર હતો. અંદરને બહાર બધે કાજળ કાજળ હતું. રાત્રિ જાણે વિશ્વ-કાલિકાની કાજળઆંજી એક આંખ હતી.

અચાનક મારા અંતરમાં ઉજાસ પેટાયો. કાગળોનું પરબીડિયું જાણે મારું તારણહાર બન્યું. કોઇ ક્યાંયથી જોતું નથી ને? હું ઘરમાં ચોતરફી તપાસ કરી આવ્યો. કોઇ નહોતું. એ મોટો પડછાયો તો સુધરાઇના ફાનસના કાચ પર બેઠેલી એક ઢેઢગરોળીનો જ મારા ઘરની ભીંતે પડી રહ્યો હતો. ચૂં-ચૂં તો ઉંદરો જ કરતા હતા.

કોણ બોલ્યું? કાંઇ નહિ. હું પોતે મનમાં મનમાં કંઇક બોલતો હતો.તેનો જ અવાજ મને મોટો લાગેલો.

કરોડ રૂપિયાનાં જવાહીરો ચોરનાર પણ જેટલી સાવધાની રાખીને નહિ ચાલ્યો હોય તેટલી સાવધાનીથી જઇને મેં પરબીડિયાંને છુપાવ્યું. ત્રણ વાર તો મેં એને છુપાવવાની જગ્યાઓ બદલી. રખે કોઇને હાથ પડે! વેરની વસૂલાતનું હથિયાર મને વિધાતાએ જાણે કે હાથોહાથ આપ્યું; નહિ તો છેલ્લાં પાંચ વર્ષો... ઓહ! ઓહ! પાંચ વર્ષોની મારી નોકરી દરમિયાન, એ પાંચેય વર્ષોનો આવો સંબંધ ચાલુ હશે; ઘણા કાગળ લખાયા હશે; તેમાંથી આ એક જ પરબીડિયું કેમ અણસેવ્યું રહી જાય?