આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમની સામે ધરૂં છું ત્યાં તો કેબિનનું બારણું આસ્તે આસ્તે ઊઘડ્યું. ચપરાસી રસૂલ દાખલ થયો. એના હાથમાં પણ એક પરબીડિયું હતું. એની સામે જુવાન માલિકે મોં મલકાવીને પૂછ્યું: "ક્યા હય, રસૂલ?"

"ચિઠ્ઠીકા જવાબ હે, સા'બ!" કહીને એણે પોતાના ગજવામાંથી છૂરી ખેંચી શેઠના પેટમાં પહેરાવી દીધી.

"અરે! અરે!" મારાથી બોલાઇ ગયું. મારી સામે શેઠની છેલ્લી જીવનપળો તરફડતી હતી.

"ખામોશ!" રસૂલે મારી સામે ચુપકીદીની ઇશારત કરી કહ્યું: "મેં ભાગ નહિ જાતા. ખામોશ રખ કે પુલિસકો બુલાવ!"

આખી ઑફિસનો સ્ટાફ રસૂલને ઘેરી વળ્યો. સૌને એણે એક જ વાર કહી દીધું:"આજ મુંહમેં રમઝાન હયઃ મુઝકો મત છૂના, ભાઇલોક!"

શાંતિથી એ ત્યાં ઉભો રહ્યો. પોલીસે આવીને રસૂલનો, લાશનો, પચાસ હજારના ચેકનો, મારા પરબીડિયાંનો ને છૂરીનો કબજો લીધો.

છૂરીના ફળા ઉપર એણે એક ચિઠ્ઠી પરોવેલી હતી.પોલીસે એ વાંચી.એ ચિઠ્ઠીમાં મરનાર શેઠના હસ્તાક્ષરોનું લખાણ હતું. એ લખાણ રસૂલની ઓરત પરના પ્રેમપત્રનું હતું.

હું ગભરાયો. મારા ગજવામાંથી મેં ટેબલ પર કાઢેલું મારી પત્ની પરના શેઠના પ્રેમપત્રનું પરબીડિયું પણ પોલિસે હાથ કર્યું.મને પણ રસૂલ સાથે પકડી ગયા. જતે જતે હું વિચારતો હતોઃ

કોણ સાચું? કોનો માર્ગ સાચો? મારો કે રસૂલનો?


*