આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અક્કડપણું સરપ પોતાની કાંચળી ઉતારી નાખે એટલી આસાનીથી ઉતારી નાખીને શેઠે હાસ્ય-રસની જમાવટ કરી મૂકી.

પોતપોતાના ડબામાં સૂઈ ઊઠીને વળતા પ્રભાતે સહુ પાછા શેઠ-શેઠાણીની જોડે ચહા-નાસ્તામાં જોડાયા. ભેળા વનસ્પતિશાસ્ત્રના શિક્ષકને લીધા હતા, તેણે સડકની બેય બાજુનાં નવાં નવાં ઝાડો વિષેનું જ્ઞાન શેઠપુત્રી વિશાખાને આપવા માંડ્યું. બીજા એક મણિપુરી નૃત્યકાર હતા, તેણે વિશાખાને નવા નૃત્યનાં પગલાં બતાવ્યાં. ચિત્ર-શિક્ષકે મયંકીને તેમ જ શેઠપત્નીને નવી કૃતિ દોરવાને માટે એ ઊઘડતા પ્રભાતનું દૃશ્ય બતાવ્યું.

જબલપુર બાજુની નર્મદા નદી આરસના પહાડો વચ્ચે થઈને એ પ્રત્યેક પહાડ-સૌંદર્યની જાણે કે પદ-ધૂલિ લેતી જતી કોઈ પૂજારણ જેવી ચાલી જતી હતી. એને તીરે ઊભેલ બે હરણાં જાણે કે એ સૌંદર્ય-યાત્રિકાનાં નીરમાં પોતાના પડછાયા પાડીને પણ પાવન બનતાં હતાં. આઘેઆઘે ગોવાળ કોઈ વિરહ-ગીત ગાતો હતો. પણ ધમધમાટ દોડી જતી આગગાડી એના શબ્દો પકડવા આપતી નહોતી.

"બક્ષી માસ્તર !" શેઠાણી વિનયપૂર્વક બોલ્યાં : "આ બધા પ્રદેશોનાં ઇતિહાસ-ભૂગોળ પણ વિશાખાને કહેતા જશો ને ?"

"હા જી; પછી વિશાખાબહેન એ પરથી વાર્તારૂપે જે પરિચય લખશે તેને આપણે ’જીવતી ભૂગોળ’ નામથી છપાવીએ પણ કાં નહિ ?"

"હા, એ તો લખે તેવી છે."

"મેં એની શૈલીનો વિકાસ થાય તેવી તાલીમ આપ્યા જ કરી છે."

"એ તો ઝટ પકડી લેશે."

યાત્રાળુઓ પૂર્વ બંગાળમાં પહોંચ્યાં, ને બક્ષી માસ્તરે પોતાની નોંધપોથીમાં ટપકાવ્યું કે ’કુદરતે સંન્યાસ લેતાં પહેલાં છેલ્લાં આભૂષણો જાણે કે આંહીં ઉતાર્યા હશે.’

ટપકાવીને તરત એણે વિશાખાને વંચાવ્યું. વિશાખાને કંઠે એ વાક્ય રમતું થઈ ગયું. દોડતી ને કૂદતી એ પોતાના ચિત્રગુરુ પાસે ગઈ. ચિત્રગુરુએ પોતાની પોથીમાં જે રેખાઓ પાડી હતી તેનું વિશાખાએ બારીક નિરિક્ષણ