આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિમાલયનાં શૃંગોને હિંદુ પ્રજા કેમ જાણે ઉતારી ઉતારીને દક્ષિણમાં સાથે લઈ આવી હોય તેવા ગગનચુંબી મંદિરો: મહાબલિની વિરાટ પ્રતિમા: કથકલી નૃત્યો: જળઘેરી ને કાજળઘેરી સુંદરીઓ: અને સ્વપ્નભૂમિ સિંહલદ્વીપ. પછી એ સઘળા પર્યટનોમાંથી હું નવીન જ ઢબે હિંદના ઈતિહાસ-ભૂગોળ આલેખી શકીશ. જ્ઞાનનો વારિધિ મારી કલ્પનામાં ઉછાળા મારશે. આટલા બધા માનપાન સાથે મને આવી યાત્રાઓ કરાવનાર માલિકો બીજે ક્યાં મળે ?

પણ... મારા દિલ જોડે મારે આ વખતે આટલી બધી દલીલો કેમ કરવી પડે છે ? ગયા વર્ષે તો આ બધા પ્રલોભનો ગણી ગણી તપાસવાની જરૂર નહોતી પડી ! આ વખતે મન પાછું કેમ હટે છે ? વારે વારે મારા એ દક્ષિણના કલ્પના-વિહારોમાં કોણ હડફેટે આવે છે? મોટી વિશાખા અને નાનકડી રોહિણીને હું સેતુબંધ રામેશ્વરની વાત કરતો હોઈશ એવું જ્યારે કલ્પું છું ત્યારે કોણ મારા હાથ પકડીને ખેંચતું મને કહે છે કે ’બા-પા...બા-પા...મને...મને...મને...’

મોટરમાંથી ઊતરીને પોતે શોફરને કહ્યું: "થોડી વાર થોભજો તો, ચિઠ્ઠી મોકલવાની છે."

અંદર જઈને પોતે શેઠાણી ઉપર કાગળ લખ્યો:

માનવંતા બાઈશ્રી,

પ્રવાસમાં હું નથી જોડાઈ શકતો, દરગુજર ચાહું છું. હવે પછી પણ ઉનાળાના પ્રવાસોમાં મને જોડે ન લઈ જવાની શરતે જ હું નોકરીમાં રહી શકીશ.

તમારા તરફથી તો મને કોઈ જ કારણ મળ્યું નથી. તમારી રીતભાત અને રખાવટમાં જે સમાનતાનો ભાવ છે તે તો વિરલ છે.

પરંતુ નાની રોહિણીને અને મોટી વિશાખાને જ્ઞાનસમૃદ્ધ બનાવવાની ચોવીસેય કલાકની મારી તન્મયતાના પાયા તળે એક નાનું બાળક ચંપાય છે: એ છે મારી બબલી.

રોહિણીને અને વિશાખાને આખા જગતનું સૌંદર્ય પીવા મળે તેની મને ઇર્ષા નથી; પણ મારી બબલીને હું મારા ગામડાની સીમડીએ તો ફેરવું, એટલી