આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની એવી અમલદારીના આરામમાં આજે થોડી ખલેલ પહોંચી છે. સામે કાંઠેથી મનુષ્યો એને 'હો-હો-હો-હો' એવા હાકલા પાડીને શું કહેવા માગે છે? બંદૂકોના ખાલી બાર આ માણસો શા સારુ કરી રહ્યા છે? શું તેઓની પાસે બે તોલા સીસું નથી? કે શું મારો લગ્નોત્સવ ઊજવનારું આ ટોળું છે!

દરેક હોકારાને તો એ નિગાહમાં પણ લેતો નથી. કોઈક કોઈક જ વાર એ પોતાના છરા જેવા દાંત દેખાડીને માથું ધુણાવતો ધુણાવતો વ્યંગમાં જાણે કહે છે કે 'કઈ ગાય જોડે મારું વેશવાળ કરવા આવ્યા છો!'

હોકારા પાડનારા માયલા ચાર-પાંચ રજપૂતો હતા, ચાર-છ સંધીઓ હતા, કોળી પગીઓ હતા, રબારીઓ ને આહીરો હતા. એમાંના જુવાનો એ જરને કાંઠે ઓચિંતા ઉગી નીકળેલા નીલાછમ સોટા જેવા હતા; બુઢ્ઢાઓ વડલાનીએ વડવાઈઓની યાદ દેતા હતા. તેમના હાથમાં કડિયાળી લાકડીઓ , ગાંઠવાળા ગોબા અને બંદૂકો હતાં; છતાં તેમનાં મોં પર શિકારે નીકળેલા સેલાણીઓની છટા નહોતી, તેમ દીપડાની કશી દહેશત પણ નહોતી. તેમના મોં પર આશા અને ચિંતાની ગંગા-જમની ગૂંથાયેલી હતી.

"હો-હો-હો, કુત્તા!" એક જુવાને પણકાનો ઘા કર્યો. ઘાએ બરાબર દીપડાના ગોરા ડેબાને આંટ્યું. બોદા ઢોલ ઉપર ધીરી દાંડી પડે તેના જેવો અવાજ થયો. તે વાતની નોંધ દીપડાએ પણ લીધી: જરાક ઊઠીને એ આગળ ચાલ્યો. પાછો એ બેઠો, ને રિસાયેલા વરરાજાની પેઠે એણે ફરી પાછી પોતાની કાયા લંબાવી; જાણે લાંબો કોઈ અજગર પડ્યો. તે પછીના પથ્થરોને એને ગણકાર્યા નહિ.

"એલા, ભાઈ!" સીમાડા વેધતી તીણી નજર નાખીને પગીએ કહ્યું: "બાપુ તો મે'માનને લઈને વળી પાછા આગળ જઈ બેઠા!"

"પણ ઈ તે કેવા શિકારી!" બીજાએ કહું.

"સૂરજ ઈમને આંખ્યુંમા આવતો લાગે છે." ત્રીજો બોલ્યો.

"પણ દી હમણાં આથમશે તેનું કેમ?"

"તો તો આપણી તમામ આશા ધૂળ મળશે." એક બુઢ્ઢાએ નિશ્વાસ