આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમને આ ગામના સીમાડા સુધી આજ શમીપૂજન કરવા જ્વાની આજ્ઞા આપો.

કંથ-પીલા હતો ભોળા દિલના. એમણે ઠાકોરને વેણે વિશ્વાસ રાખીને છૂટી આપી. ને પછી લાગ ગોતીને ઠાકોર પોતાના પાંચ અસ્વારે રાજુલાને સીમાડેથી શિહોરને માર્ગે નાઠા.

"નાઠા, ભાઈ, નાઠા!" વાત સાંભળનાર આતાભાઈએ ફરી એકવાર મોં મલકાવ્યું. જુવાને પાછો વાતનો તાગડો સાંધ્યો:

ભાવસંગજી ચોર બની નાઠા , અને પછવાડે પેશ્વાઈના ફોજનાં ડંકાનિશાન ગડગડી ઊઠ્યાં. કંથ-પીલાનો હુકમ છૂટ્યો કે 'ઠાકોર ભાવસંગને જીવતો યા મૂવો પણ ઝાલીને પાછો મારી પાસે હાજર કરો. એ મારો ચોર છે; એણે દગલબાજી કરી છે.'

ભાગી રહેલ ઠાકોરભાવસંગજીને ખબર પડી કે પછવાડે પેશ્વાઈ ફોજ પગલાં દબાવતી આવે છે, અંતર ઓછું પડતું જાય છે, અને દિવસ આથમ્યા પહેલાં જો મને દુશ્મનો આંબી લેશે તો આ ચોરી મોંઘી પડી જવાની છે!

સૂરજ મેર બેસી રહેલ છે, અને શિહોર તો હજુ ઘણાં લાંબા પંથે પડ્યું છે. શત્રુની ફોજાના હાકોટા પણ કાને પડ્યા હાથ પડ્યા તો મરચાંના પાવરા મોંએ બાંધીને ભૂંડે મોતે મારશે. અને આ તો સામે ઊભી છે ડુંગરમાળ: બીજો કોઈ રસ્તો નથી - નાની પગદંડી નથી આસપાસમાં. ને આ રહ્યું ભોકળવાની ભરડ્યનું ડાચું. આ ભરડ્ય એ એક જ રસ્તો ડુંગરમાળને સામે નીકળવાનો છે. પણ ભરડ્યમાં દાખલ થયો તો ભીંસાઈ જવાનો. પોણા ગાઉની આ સાંકડી ઊંડી નાળ્યમાં તો મને જાંગલા (મરાઠા) ગૂંગળાવીને મારી નાખશે!

એવે કટાકટીને ટાંકણે, બાપુ, પોતાની સતાવીસું સાંઢ્યો ઘોળીને એક રબારી ત્યાં ઊભો હતો - ત્યાં ભોકળવાની ભરડ્યના મોં પાસે. એ રબારી હાજા આલે ઓળખ્યા કે આ તો ઠાકોર ભાવસંગજી!

ઠાકોરે કહ્યું કે, " હા, ભાઈ હાજા આલ, આજ અમે ઘેરાઈ ગયાં છીએ.