આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિહોર છેટું રહ્યું ને આંહીં થોડી ઘડીમાં અમારાં કમોત થાશે."

રબારી હાજો આલ જાતવંત હતો. ઠાકોરના બૂરા હવાલ દેખીને એનું દિલ ઉમળકે ગયું. એણે છાતીએ પંજો મૂકીને કહ્યું: "ઠાકોર ભાવસંગજી, આ ભોકળવાની ભરડ્યમાં થઈને તમે તમારે ભાગી નીકળો. અને હરમત રાખજો, વશવાશ કરજો, કે હરિ કરશે ત્યાં સુધી તો ગાયકવાડની ફોજને દી ઊગ્યા મોર આ ભરડ્ય નહિ વલોટવા દઉં."

ઠાકોરે પૂછ્યું કે "શી રીતે, ભાઈ? તું એકલો શું કરીશ?"

હાજો કહે કે, ઠાકોર, અત્યારે એ બધી વાતોની વેળા નથી. તમે તમારે પોગી જાવ શિહોરા ગઢની અંદર. પછે હું છું ને પેશ્વાઈ ફોજ છે."

ઠાકોરના પાંચ અસવારોને ભરડ્યમાં ગાયબ કરી મૂકીને પછી રબારી હાજા આલે પોતાની સાતે વીસું સાંઢ્યોને ભરડ્યના મોંમાં જ ઠાંસી. ઠાંસો કરીને પોતાની તરવાર ચલાવી... એકપછી એક સાતે વીસ સાંઢ્યુંને ગૂડી નાખી. મોંમાંથી "બાપ! બાપ મારા! મા મારીઉં!" એવા વહાલપના બોલ કહેતો સાંઢ્યોને થંભાવી રાખે છે; અને એક પછી એક કતલ થતી સાંઢ્ય મોંમાંથી ચૂંકારોય કરતી નથી.

જોતજોતાંમાં તો સાતવીસ સાઢ્યુંનાં શબોનો ઠાંસો ભરડ્યના ઊંડાઊંડા ગાળામાં દેવાઈ ગયો. એ ઠાંસાને માથે હાજો આલ ઉઘાડી તરવારે ઊભો રહ્યો: ને રાતના અંધારામાં ગાયકવાડી ફોજ ભરડ્યના બીડેલ મોં પાસે ઊભી રહી.

સતાવીસ સાંઢ્યોનાં મડદાને એ ઠાંસામાંથી ખેસવવાં એ સહેલ નહોતું. ઉપરથી હાજા આલના ઝાટકા વરસતા હતા. ભરડ્યનું મોં ખુલ્લું કરતાં કરતાં તો ફોજને પોણી રાત વીતી પણ પછી તો પ્રભાતે જ્યારે ફોજ શિહોર પહોંચી ત્યારે ઠાકોર ભાવસિંહજી ગઢમાં દાખલ થઈ ચૂક્યા હતા અને કિલ્લાની ભાગોળો ભિડાઈ ગઈ હતી.

જુવાનની આ કથા આતાભાઈના મોં પર વિવિધ રંગો પૂરતી જતી હતી. ઠાકોર આંખમાં જળજળિયાં ડોકાયાં.

જુવાન આગળ વધ્યો: