આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોપાયમાન કંથ-પીલાએ રાજુલાથી પડાવ ઉઠાવીને શિહોર ઘેર્યું. ત્રણ હજારની એમની ફોજ હતી અને ભેળી એક તોપ હતી. શિહોરથી ચારેક વીઘાને છેટે 'ફાંકડો' નામની એક ટેકરી છે; એ ટેકરીની ટોચે પીલાજીએ પોતાની તોપ ચડાવી. ત્યાંથી એના ગોલંદાજે મારો શરૂ કર્યો.

મરાઠાના એ ગોળા સીધેસીધા શિહોર ગામની અંદર પછડાઈને વસતીનાં ઘરબારનો ભુક્કો બોલાવવા લાગ્યા.

એક દિવસ, બે દિવસ ને ત્રણ દિવસ થયા ત્યાં તો શિહોરની વસતી ઉચાળા ભરવા લાગી. ઠાકોરનું મોં ખસિયાણું પડી ગયું. ઠાકોર શું લઈને વસતી રોકવવાનું કહે? રાજા જેવો રાજા આજ રૈયતનું રક્ષણ નહોતો કરી શકતો.

લોકો બધાં જોતાં હતાં કે ઠાકોર ભાવસંગજી આમ રઘવાયા થઈને ગામના ડુંગરાની ટૂંકે ટૂંકે કાં દોટાદોટ કરે? ઠાકોર કેમ બોલતા નથી? ડુંગરા ઉપર ચડીને, આંખે હાથના ભૂંગળાં વાળી ફાંકડા ટેકરીની સન્મુખ મીટ જ કાં માંડ્યા કરે?

અંતે ઠાકોર 'રનાનો ચોરો' નામને જે અસલી બ્રાહ્મણ રાજવેળાને જગ્યા ઊંચી ડુંગરટોચે બંધાયેલી છે તેના ઉપર ચડ્યા. ત્યાંથી 'ફાંકડા' ઉપર નિશાન લીધું... ને પછી આજના કરી કે આપણી જમના તોપને આંહી ચડાવો.

સહુએ પૂછ્યું કે શું કરવું છે ત્યાં તોપ માંડીને?

ઠાકોર કહે કે 'પેશ્વાઈ તોપનું ડાચું ફાડાવું છે. જમના તોપના ગોળાનું નિશાન આંહીથી જ માંડી શકાશે : બરાબર ફાંકડા ડુંગરાની ટૂકે."

જમના તોપને બળદો જોડ્યાં: એક જોડ, બે જોડ... પાંચ... દસ... અને છેવટે બળદની બાવીશ જોડી જોતરી છતાં જમના તોપ રણાને ચોરે ન આંબી. શિહોર ગામના અસલ બળદોની કંઈક જોડીઓ તૂટી ગઈ.

અને 'ફાંકડા'ની ટોચેથી પેશ્વાના ગોળા ગામને ફૂંકતા જ રહ્યાં.

એવા લાઈલાજીના સમયે ઘાંઘળી ગામનો એક બ્રાહ્મણ પોતાનું ભરત ભરેલું ગાડું હાંકતો શિહોરને પાદર નીકળ્યો. એણે આંખો ઉપર નેજવું કરીને રણાના ચોરા સામી નજર માંડી: બલદોની કતાર પર કતાર: હાકોટા ને