આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીડિયા: કેટલાય બળદો ડુંગરાને અધગાળેથી ગબડી પડે છે, માંયેથી લોહીના કોગળા નીકળી પડે છે: માણસોની ઠઠ જામી છે.

ઘાંઘળીના બ્રાહ્મણે ઢાંઢાની રાશ ખેંચીને માણસોને પૂછ્યું : "શું છે આ બધો મામલો?"

લોકોએ કહ્યું : વાત બધી આમ છે, ને જમના તોપ જો રણાને ચોરે ન ચડે તો શિહોર ઉજ્જડ થાય તેમ છે.

સાંભળીને ઘાંઘળીના બ્રાહ્મણે ગાડું ગામમાં વાળ્યું. પોતાન બે બળદિયાને લઈ એ ઠાકોરની સન્મુખ હાજર થયો, અને એણે કહ્યું : "એક વાર મને અજમાવવા દેશો?"

"ભલે, ભાઈ; તારીય જોડી સહુની સાથે જોતરી લે."

"ના, બાપુ; એમ નહિ"

"ત્યારે કેમ?"

"મને એકલાને જ જોતરવા દ્યો"

"ભાઈ ગાડાખેડુ!" ઠાકોર એની સામે જોઈ રહ્યા! તારા ઢાંઢા જીવતા નહિ રહે ને બ્રાહ્મણના દીકરાની ખેડ ભાંગશે."

"ઠાકોર ભાવસંગના માથેથી ઓળઘોળ. ને હું નુકસાનીનો એક પૂળો કડબેય નહિ માગું. પણ મને એકવાર અજમાવવા દ્યો."

"પણ કંઈક જોડી તૂટી ગઈ, ભાઈ!"

"તોય એકવાર મહેર કરો"

"બ્રાહ્મણે બે જ બળદ જમના તોપને જોતર્યા. પછી બળદના વાંસામાં હાથ મૂકીને ડચકાર્યા. બળદે જમનાને ખસેડી ઉપાડી અને એક જ વિસામે રણાના ચોરા સુધી ચડાવ વટાવી દીધો.

લોકોના મોંમાંથી 'વાહ-વાહ' ના વેણ સુકાય તે પહેલાં તો બ્રાહ્મણના બેય બળદ ત્યાં ઢગલો થઈને ગબડી પડ્યા... પડ્યા પછી પાછા જ ન ઊઠ્યા.

ઠાકરે બ્રાહમણની સામે નજર કરી.

"ઠાકોર!" બ્રાહ્મણે જળજળિયાં ભરેલ આંખે ભાવસંગજીને