આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચેતવ્યા: "અત્યારે બીજી કોઈ વાતનો સમો નથી. જે કામના ત્રાજવામાં આજ આપણી લાજાઅબરૂ તોળાઈ રહેલ છે તેની ફતેહ કરો. ઠાકોર! બ્રાહ્મણના આશીર્વાદ છે."

એ વેણ બોલતાં હતાં તે વખતે ફાંકડાની ટેકરી ઉપર ધુમાડાની શેડ ઉઠતી હતી. મરાઠી તોપ દગાઈ રહી હતી. શિહોરની ડુંગરમાળનાં પેટાળ જાણે કે ઊખડી જતાં હતાં.

જમના તોપમાં ઠાકોર સ્વહસ્તે દારૂગોળો ભર્યો. ગોલંદાજને કહ્યું કે " ભાઈ, તું છેટો ખસી જા; મારું તકદીર મને અજમાવી જોવા દે."

એમ બોલીને પોતે જ જમનાની નાળીનું નિશાન ફાંકડા ટેકરી પરની પેશ્વાઈ તોપના ડાચા તરફ ગોઠવ્યું. પછી કાકડી લઈને સ્વહસ્તે જ ઠાકરે જમનનાને દાગી.

ભાવનગરના રાજવંશનું ભાગ્ય જબરું નીવડ્યું: ઠાકોરની તાકર અફર થઈ: ફાંકડાની ધાર પર મરાઠી તોપના જડબામાં જ જમનાનો ગોળો અંટાણો : મરાઠી તોપનું ડાચું ફાટી ગયું.

પછી ઠાકોરે મારતે ઘોડે મરાઠાઓ ઉપર હલ્લો ચલાવ્યો. તોપ વગરના નિરુપાય કંથા-પીલાએ વડોદરાની વાટ લીધી.

ઠાકોરે ફતેહનો દરબાર ભર્યો. ભરદરબારમાં ઘાંઘળીના બ્રાહ્મણને છસો વીઘાં જમીનની ભેટ ત્રાંબાને પતરે લખી આપી.

"ધન્ય એ રાજા પ્રજાને!" ઠાકોરા આતાભાઈએ ઉદ્ગાર કાઢ્યો: પછી કહ્યું: "હવે, જુવાન, તું થાક્યો હોઈશ!"

ના, ના; મુદ્દાની વાત જ હવે આવે છે, બાપા! - કહીને એણે ચલાવ્યું:

ભગાભાગ કરતી મરાઠી ફોજના બે ઘાયલ પૂરબિયા પછવાડે રહી ગયા હતા. વતનની વાટ આ બેય જણાને બહુ છેટી થઈ પડી. પેટને કારણે બેઉ જણાએ વહાલા-સગાંને તજ્યાં હતાં. બેયની કેડ્યમાં ત્રેવીસ-ત્રેવીસ સોનામો'રની ચીંથરીઓ બાંધી હતી. પોતાના મુસારામાંથી બચાવી રાખેલ એ સોનામો'રું બાયડી-છોકરાંને ઘરખરચી માટે મોકલવાનો હવે કોઈ મારગ