આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


રોહિણી


ગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.

તે છતાં રણજિતે હજુ પ્લૅટ્‍ફોર્મ છોડ્યું નહોતું. કદાચ રસ્તામાં કંઈક ભાંગતૂટ થાય, ને ગાડી પાછી ધકેલાતી સ્ટેશનમાં આવે: એવી અશક્ય આશા એને પોતાને પણ અગોચર રહી એના મનના ઊંડાણમાં લહેરાતી હશે.

સ્ટેશનના ફેરીવાળા અને પહેરાવાળાઓએ નવરા પડી, હથેળીમાં જરદાની ચપટી જોડે ચૂનો ચોળી જ્યારે તાળોટા માર્યા, ત્યારે જ રણજિત ધ્યાનભંગ થયો. પેલાઓના તાળોટા તો જરદામાંથી વધારાનો ચૂનો ઉડાડી નાખવા પૂરતા જ હતા, પણ રણજિતને લાગ્યું કે કોઈક પોતાની ઠેકડી કરી રહેલ છે, નક્કી કોઈકે એની અને રોહિણીની પ્રેમચેષ્ટાઓ નિહાળી લીધી છે.

"સા... તમામ માણસો મવાલી જ બની ગયા !" એવી એક ટીકાનું તીર દુનિયા પર ફેંકતો એ પ્લૅટ્‍ફોર્મ બહાર નીકળ્યો.

તારના રેઇલિંગ ઉપર એક મજૂર છોકરી અને તેના જ જેવો મેલોઘેલો જુવાન ઊભાંઊભાં ફક્ત હાથનાં આંગળાં જ ચોરીછૂપીથી અડકાવીને હસીહસી વાતો કરતાં હતાં, તે તરફ રણજિત તીરછી નજરે તાકી રહ્યો. જતાંજતાં એણે ને-ચાર વાર પાછળ નજર નાખી.

એક ક્ષણ એને યાદ આવ્યું કે આખી દુનિયાને મવાલી કહેનાર હું પોતે શું કરું છું !