આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનથી ને મનથી પોતે જવાબ મેળવ્યો: ’હું તો જગતનું નિરીક્ષણ કરું છું. મારે તો એમાંથી મજૂર-જીવનની એકાદ કરુણ સ્નેહકથા દોરવી છે. બાકી તો, આવાં કંગાળ કદરૂપોની ચેષ્ટામાં શું બળ્યું છે કે મારા જેવાને રસ પડી શકે ! મારે તો હવે શી કમીના રહી છે...’

પાછો તાંતણો પેલી ચાલી ગયેલી આગગાડી જોડે સંધાઈ ગયો. એક જ દિવસની ઓચિંતી મુલાકાતમાં, એક કલાકની ટૂંકી ટ્રેઇન-યાત્રામાં, પોતે એક ખૂબસૂરત અને સંસ્કારી સ્ત્રીનું હૃદય જીતી લાવ્યો છે એ વિષે તો હવે તેને કશી જ શંકા રહી નહોતી.

જીવનમાં પહેલી જ વાર એને વિજયનો અવસર સાંપડ્યો; એકધારી અને વિશિષ્ટતા વિનાની એ ફીક્કીફસ સંસારલીલામાં પોતાને ગર્વ ક્કરવા જેવું, નવીનતાનો આઘાત આપનારું ને ફિક્કાશમાં ગુલાબની લાલી ભરનારું એક સ્વપ્ન લાધ્યું: એણે એક સ્ત્રી-હૃદયને જીત્યું હતું.

રોજ પગપાળો ચાલતો હતો તેને બદલે આજે એણે ઘોડાગાડી ભાડે કરી. રસ્તામાં એક હાટડી પરથી મસાલેદાર પાન કરાવતાં કરાવતાં એણે પાનવાળાના મોટા અરીસામાં પોતાનું મોં એક મુગ્ધ માનવીની છટાથી ધારીધારીને નિહાળ્યું. તે દિવસે પહેલી જ વાર એને ભાન થયું કે પોતે બબ્બે દા‘ડે હજામત કરે છે ! આજે પોતાની અણબોડી રહેલી દાઢીની એને શરમ ઊપજી.

દાઢી ઉપરથી એને પોતાની પરણેલી પત્ની તારા યાદ આવી...

તારાને મેં કેટલી વાર કહ્યું છે કે મારે માટે ગરમ પાણીની વાટકી અને હજામતનો સામાન હંમેશાં તૈયાર જ રાખવો ! પણ એનો સ્વભાવ ભૂલકણો છે; એ તો સવારથી જ ચંચીને કડવાણી પાવામાં ને ભૂપલાનાં ફાટેલાં ચડ્ડી-પહેરણ સંધવામાં પડી જાય છે.

તારાને શી પડી છે મારી ! એને મારો ચહેરો સારો હોય કે નરસો તેની શી ખેવના હોય !

પટ-પટ-પટ અવાજ કરતા ઘોડાના ડાબલા રણજિતની આ વિચારસરણીને જાણે કે થાબડી રહ્યા હતા.