આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂતાંસૂતાં એનાં અંતઃચક્ષુનો કૅમેરા ભૂતકાળ તરફ ખેંચાતો ગયો....

’કડડ...ધબ !’ ભૂતકાળની પહેલી જ સ્મૃતિમાંથી એક અવાજ ઊઠ્યો; પાંચેક વર્ષ પહેલાંનો પડદો ઊઘડ્યો...

એ અવાજ હતો એક બાઈસિકલના પછડાટનો અને સાઇકલ પર બેઠેલ આદમીના લઠ્ઠ કલેવરની પ્રચંડ જમીનદોસ્તીનો.

રોહિણીને રણજિતે તે દિવસે પહેલી જ વાર એના અવિજેય, દુર્દામ ચંડીરૂપે દીઠેલી. કૉલેજમાંથી મોડી સાંજે પરવારીને રોહિણી સાઇકલ પર ઘેર જતી હતી. 'સરદાર બાગ'ના ખૂણા પર વળાંક લેતી વેળા એક બીજી સાઇકલ એની બાજુએ લગોલગ આવી ગઈ; સંધ્યાના ભૂખરા ઉજાસનો અને એકાંતનો લાભ લઈ સાઇકલના અસવારે રોહિણીના ગળા પર હાથ નાખ્યો... રોહિણીએ એને ધક્કો મારી સડકની ફરસબંધી પર ચત્તોપાટ પટક્યો ને પછી એ ગંભીર ઈજા પામેલા મૂર્ચ્‍છિત માણસને ગાડી કરી ઇસ્પિતાલે પણ રોહિણીએ જ પહોંચાડ્યો.

રણજિત વગેરે ને-ત્રણ જણાં ત્યાં ફરતા હતા. સહુએ કહ્યું કે આ બાબત રોહિણી ફરિયાદ કરે તો અમે એના સાક્ષીઓ થશું.

રોહિણીએ જવાબ આપેલો કે "ફરિયાદ તો એને માર પડ્યો છે માટે એ કરશે. ને હું ઇચ્છું છું કે તમે, એના જાતભાઈઓ તરીકે, એને જ પક્ષે સાક્ષી પૂરજો. તમે બધા કંઈ એનાથી જુદા નથી - તમારી પોતપોતાની સ્ત્રીઓને પૂછી જોજો."

એમ કહીને એ કડવું હાસ્ય કરતી પોતાની સાઇકલ દોડાવી ગઈ હતી.

ભૂતકાળની સ્મૃતિનું બીજું પડ ભેદાયું...

કૉલેજના વર્ગો શરૂ થયા છે, પણ એક આળસુ અધ્યાપક હજુ આવેલ નથી.

બસો છોકરાના ગણગણાટ થભી ગયા; ચારસો આંખોએ જોયું કે રોહિણી પ્રોફેસરની બેઠક ઉપર જઈ ઊભી છે, ને એક ચિઠ્ઠી હવામાં ફરકાવતી ફરકાવતી આખા વર્ગને સંબોધી રહી છે: "આજે સવારે મને