આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ ચિઠ્ઠી મળી છે. એમાં મારા પર લખાઈ આવેલ છે કે -

હું તારી જોડે ફરવા આવવા આઅતુર છું: મને તારો સાથ નહિ આપે ? મારા દિલમાં બીજું કંઈ નથી - એક વાર તારી જોડે ફરવાની ઝંખના છે.

લિ. તારા સ્નેહનો તરસ્યો..."

ચિઠ્ઠી વાંચીને પછી એણે એ નિઃશબ્દ વિદ્યાર્થી-સમુદાય તરફ મોં મલકાવ્યું, ને કહ્યું: "લખનારને હું અહીં જ જવાબ આપું છું કે જરૂર, હું તારી જોડે ફરવા આવું. તમે સૌ યુવાનો છો. હું પણ યુવતી છું. તમને કોઈને મારી જોડે ફરવા મન થાય એમાં પાપ નથી. શરમ નથી. તમે માગણી કરો તો હું સુખેથી તમારી માગણીનો વિચાર કરું; હા કે ના કહું. પણ આ નામ છુપાવવાની નામર્દાઈ શા માટે ? નનામી માગણી કરનાર કાયર પોતાની જાતે જ પોતાનો તિરસ્કાર કરાવે છે. મારી જોડે ફરવા આવનારને જો પ્રગટ થવું નથી, તો એનો જવાબ એક જ હોઈ શકે ને તે આ રહ્યો..."

એમ કહીને એણે એ નનામી ચિઠ્ઠીના ઝીણા ઝીણા ચૂરા કર્યા હતા, ને એ પછી શાંત દર્પ સમેત પોતાને સ્થાને જઈ બેઠી હતી.

અધ્યાપકને આવતાં પા કલાકનું વધુ મોડું થયું. પણ એ પંદર મિનિટો સુધી જાણે વર્ગમાં બેન્ચો તેમ જ દીવાલો સિવાય કોઈ જીવતા જીવની હાજરી જ નહોતી.

પછી તો રોહિણીના નામના ભણકારા ઠેર ઠેર અથડાતા. ’રોહિણી’ શબ્દમાંથી અગ્નિચક્રની પેઠે તણખા છૂતતા. એ એક સ્ત્રી હતી તેથી એના તેજપુંજનો દ્વેષ કરતા પુરુષ વિદ્યાર્થીઓ કૉલેજના વ્યાખ્યાનખંડની સભાઓ દરમિયાન બેશક, ગૅલેરીની અંદર બેઠા બેઠા ઇંડું કે ભજિયું રોહિણીના શરીર પર તાકીને પોતાની નિર્વીર્યતાને વ્યક્ત કરતા. પણ પ્રત્યક્ષપણે રોહિણીની આડે ઊતરવાની, એની છાયાનેય કાપવાની, કોઈ જુવાનની મજાલ નહોતી.

રણજિત એ અરસામાં કૉલેજનો નરમ અને ભદ્રિક ગણાતો વિદ્યાર્થી હતો. નારી સન્માનનો એનો ભાવ આ મવાલી છોકરાઓની હીન ચેષ્તાને કારણે ક્ષણે ક્ષણે ઘાયલ બનતો. અને એક દિવસ એણે રોહિણીને કૉલેજના