આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામવાળો ન આવ્યો હોય ત્યારે રણજિત તારા કનેથી ઝૂંટવીને તમામ કપડાં લઈ ધોઈ નાખે.

"ના, તારા; તારો અભ્યાસ બગડે !"

સાચા હૃદયથી રણજિત તારા પર વહાલ ઠેરવવા મથતો હતો. પણ એની દશા સામા પૂરે નદી પાર કરનારા જેવી હતી; પગ નીચે લપસણા પથ્થરો હતા.

"ઓહોહો !" પલેપલ રણજિત એ જ વાત ગોખતો: ’તારાને મારા દિલ સાથે ભીડી રાખવા હું કેટલા પ્રયત્નો કરું છું ! હટો, રોહિણીના વાળની સુંવાળી શ્યામલ લટો ! - મારા મોં પરથી ભલી થઈને હટી જાઓ !’

પણ પોતાનું મોં લૂછતો લૂછતો એ વારંવાર થંભી જતો. એ કેશલટો ઊડી ઊડીને એની કલ્પના પર પથરાતી.

[5]

તારા પિયર ચાલી. રોહિણી સ્ટેશને વળાવવા આવી હતી. બંને છોકરાં રોહિણીને બાઝી પડતાં હતાં.

એક બાળક રોહિણીને ’ફઈબા’ કહી સંબોધતું, ને બીજું એને ’માસીબા’ કહેતું.

તારાને તો બેવડી સગાઈનો લહાવ લેવાની મઝા પડતી.

રોહિણીથી છૂટી પડતાં તારાનેય વસમું લાગ્યું. રોહિણીબહેન તો તારાને નવી સંજીવની આપનારાં હતાં. પોતાના જીવનમાં આટલો ઊંડો રસ લેનાર પહેલું જ માનવી રોહિણી હતી. રણજિતને જાણે કે રોહિણીબહેને જ પત્નીમાં ને બાળકોમાં વધુ રસ લેતો કર્યો હતો.

ગાડી ઊપડી ત્યારે જ બરોબર રોહિણીએ બેઉ છોકરાંને માટે રેશમી કપડાંની અક્કેક જોડ ડબ્બાની અંદર ફેંકી.

ને તારાએ બેઉ બાળકોના નાના હાથ ઝાલી બારીની બહાર છેક ક્યાં સુધી ’માશી-ફઈબા’ના લહેરાતા રૂમાલની સામે વિદાય-નિશાની કીધા કરી !

ગાડી ચાલતી હતી. તેનાં પૈડાંના અવાજ જોડે મોટું બાળક તાલ