આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાક ખેંચતી બોલી ઊઠી: "ચીબલા, તારા બાપ જેવો જ ચીબલો કે ! ને નમણો તો બા જેવો, કેમ !"

રોહિણીની આંખોમાં આંસુ ન માયાં. એના મોંમાં તારાએ ઠાંસીઠાંસીને દિવસરાત હાસ્ય ભરી દીધું.

બે મહિને રોહિણીએ તારાના પગને આંસુએ પખાળી પખાળી માંડ રજા મેળવી; બાળકને લઈ જુદું ઘર વસાવ્યું. ફરી પાછાં એનાં ટ્યુશનો બંધાયાં.

જગતની યાદદાસ્ત અતિ ઉદાર, અતિ ભૂલકણી છે એટલે જ જગત જીવતું રહ્યું છે.

તારાએ રણજિતની પથારીનો ઓરડો સદાને માટે સમજણ કરી લઈને ત્યજ્યો હતો; અને રોહિણીને ઘેર પણ તારાને સાથે લીધા સિવાય રણજિતે ન જવું, એવો રોહિણી રણજિત વચ્ચેનો હંમેશાંનો કરાર હતો.