આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


પાપી !


રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સરવા કાન એણે આજ જીવતરમાં પહેલી જ વાર માંડ્યા હતા. ઘરની અંદર શો શો સંચાર થાય છે, કષ્ટની ચીસો કેટલી વાર પડે છે, એ ઉંહકારો પંદરમી વારનો હતો કે ચૌદમો... એ બધું એના કાન તલ્લીન બનીને વીણતા હતા - તરૈયાઓ દરિયાને તળે જઈ બીજી તમામ વાતો પ્રતિ આંધળા બની સાચાં મોતી વીણે છે તેવી રીતે.

સાડાચાર વાગ્યે ઘરમાંથી ગંભીર સુખનો શબ્દ સંભળાયો કે "વાહ! શાબાશ, બેટી!"

પાંચ બજ્યા અને કમાડ બહુ ધીરેથી, જરીકે કચૂડાટ કર્યા વગર ઊઘડ્યું. અંદરથી હાથમાં બેગ લઈને દાક્તરદાદા બહાર નીકળ્યા. કાળુ સફાળો ખડો થઈને સામો દોડ્યો. એને પોતાના તકદીરનો ફેંસલો સાંભળવો હતો.

ધસી આવતા જોધાર કાળુને ખંભે હળવો પણ મક્કમ હાથ મૂકીને નસરવાનજીદાદા ઘેરા નાદે બોલ્યા: "કાળુ! બેટા! જો, તારી વહુને બહુ થાક લાગ્યો છે. કેટલા કલાકની મહેનત કર્યા પછી એને માંડમાંડ નીંદ આવી છે. તું ઉતાવળ કરીશ ના, હો ગાંડિયા! નર્સ અંદર છે તે તને બોલાવે ત્યારે જ ઘરની અંદર દાખલ થજે; નહિતર આ બુઢ્ઢાના હાથના પાંચ ગડદા તારી પીઠનાં હાડકાંનો ચૂરો કરી નાખશે, હાં કે!"

કાળુના માથા પર હાથ ફેરવીને દાક્તરદાદા સવાપાંચે ગયા. મોટરના